74 થયાં તો શું થયું ? – જાહ્નવી પાલ

74 વર્ષનાં લીલાબહેન દવે મુંબઈના પરા મલાડના ફલૅટમાં એકલાં રહે છે. પતિનું અવસાન થઈ ગયું છે અને એકનો એક દીકરો દિલ્હીમાં રહે છે. હમણાં મળવા ગયાં ત્યારે એમના હાથ પર પ્લાસ્ટર હતું.

મોટી ઉંમરે હાડકાં ભાંગે ત્યારે સંધાતાં વાર લાગે છે. લીલાબહેનની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી આ વાતનો અફસોસ કરે અને કદાચ કહી દે કે, સંસારમાં બધા સુખ-દુ:ખ જોઈ લીધાં; હવે હાલતાં-ચાલતાં છીએ ત્યાં સુધીમાં જ ભગવાન ઉપાડી લે તો સારું.

પણ ઉપરવાળાએ લીલાબહેનને જુદી માટીમાંથી ઘડયાં છે. પોણાસો વર્ષની ઉંમરે એમને ઉપર જવાની કોઈ ઉતાવળ નથી. ઊલટું એમને તો હજી થોડાં વર્ષ વધુ જીવવાની ઈચ્છા છે. હજી કેટલાં બધાં કામ કરવાનાં બાકી છે ! એમાંય મુંબઈમાં એક વૃધ્ધાશ્રમ બનાવવાનું સપનું જોયું છે તે સાકાર નહીં થાય ત્યાં સુધી લીલાબહેને મજબૂતીપૂર્વક ટકી રહેવાનું નક્કી કરી નાખ્યું છે. અને એમની સાથે વાત કર્યા બાદ લાગે છે કે આ સ્ત્રી ભલભલા સામે લડે છે, કદાચ યમરાજા સામે પણ લડવા તૈયાર થઈ જશે.

લીલાબહેનની લડાઈ લગભગ ત્રણ દાયકાથી ચાલે છે. ‘આધાર’ નામની સંસ્થા ઊભી કરીને એમણે સ્ત્રીઓના પ્રશ્ન હાથમાં લીધા છે. છૂટાછેડા, ભરણપોષણ, દહેજ, બળાત્કાર…. આવી કોઈ પણ સમસ્યા સામે ભાંગી પડેલી સ્ત્રીઓને લીલાબહેને આધાર આપીને ઊભી કરી છે અને લડવા માટે તૈયાર કરી છે.

ઉપનગરનાં પોલીસસ્ટેશનોમાં એમનો ચહેરો જાણીતો થઈ ગયો છે. કોઈ કેસ રજિસ્ટર કરાવવા કે ઈન્કવાયરી કરાવવાની માગણી લઈને લીલાબહેન પોલીસસ્ટેશને જાય ત્યારે ઘણી વાર ડયુટી ઑફિસર કહી દે છે કે, માજી, તમે અહીં આવવાની તકલીફ શું કામ લીધી ? ફોન કરી દીધો હોત તો પણ ચાલી જાત. પરંતુ માજીનો જવાબ હોય, “હું તો ચોકીમાં તમારા જેવા દીકરાઓને મળવા માટે જ આવું છું. એ બહાને થોડું કામ પણ થઈ જાય….”

જો કે આ વાત કરતી વખતે લીલાબહેન પાછાં હસી પડે છે. એ કહે છે, “મને ખબર છે કે આ જ પોલીસવાળા મારી પીઠ પાછળ બબડતા હશે કે, બુઢ્ઢી શું કામ વારંવાર આવીને અમારું કામ વધારે છે ? પણ ભાઈ, કોઈએ તો કામ કરવું પડે ને ?”

લૉ-ગ્રેજયુએટ થયેલાં લીલાબહેન 30 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રમાં હતાં. પ્રાર્થના સમાજમાં આવેલી વનિતા વિશ્રામમાં પ્રિન્સિપાલનો હોદ્દો સંભાળતા સંભાળતા એમની નજર બીજી તરફ ગઈ. માહિમમાં આવેલા એમના નિવાસસ્થાનની આસપાસ ઝૂંપડપટ્ટી હતી અને ત્યાં સતત ચાલ્યા કરતાં ઘરેલુ ઝઘડા, મારઝૂડ, છોકરીઓની છેડછાડ વગેરે એ જોતાં રહેતાં. એકાદ-બે વાર એમણે વળી આવા કોઈ મામલામાં વચ્ચે પડીને સમસ્યા સુલઝાવી.

જોતજોતામાં વાત પ્રસરી ગઈ કે મદદ જોઈતી હોય તો લીલાબહેન પાસે જાવ. માહિમથી ધારાવી સુધી એ મમ્મી તરીકે જાણીતાં થઈ ગયાં. દર અમાસે પોતાના હાથે રાંધીને એ આસપાસમાં વસતાં બાળકોને જમાડે. પરંતુ આ બધું પાર્ટટાઈમ સોશિયલ વર્ક હતું. બાકી મુખ્ય કામ તો સ્કૂલનું.

પરંતુ એમાં એક એવી ઘટના બની ગઈ…. “અમારા મકાનમાં રહેતી સિંધી છોકરીએ લવમૅરેજ કર્યાં, પણ લગ્નના દોઢ જ મહિના બાદ એ રડતી-કકળતી પાછી આવી. કારણ પૂછયું તો કહે કે હીરાની બુટ્ટી ખોવાઈ ગઈ એની સજારૂપે સાસરિયાંએ કાઢી મૂકી. છોકરીનાં મા-બાપ આવાં બીજાં ચાર ઘરેણાં અપાવવા તૈયાર હતાં, પણ સામેવાળાં એકનાં બે ન થયાં. કદાચ બુટ્ટી તો એક બહાનું હતું. એમને આ છોકરી ઘરમાં રાખવી નહોતી. માત્ર અઢાર વર્ષની છોકરી પર કેવી વીતી હશે ? આ ઘટનાએ મારી જિંદગીને નવી દિશા આપી. મેં ત્યારે જ નિર્ણય કરી લીધો કે હવે મારે બધો સમય સ્ત્રીઓને થતા અન્યાય સામે લડવામાં જ આપીશ !”

માહિમથી એ મલાડ રહેવા આવ્યાં પછી લીલાબહેને પોતાને એક હાર્ટઍટેક આવી ગયો છે, પણ લડવાનું છોડે એ બીજા !

“મારા પતિ પૂરતા પૈસા મૂકી ગયા છે. અને રાજકોટમાં બાપદાદાની મિલકતમાંથી પણ હિસ્સો મળ્યો છે. આર્થિક ચિંતા નથી એટલે હવે સમાજની ચિંતા માથે લીધી છે.”

ક્યારેક એવુંય બન્યું છે કે સાસરિયાંના ત્રાસમાંથી છોડાવેલી સ્ત્રીને એનાં સગાં મા-બાપ પણ પાછી રાખવા તૈયાર ન હોય. આવી મહિલાઓને લીલાબહેને પોતાના ઘરમાં રાખીને પગભર થવાની તાલીમ આપી છે. આપણે ત્યાં બળાત્કારના કિસ્સામાં બહુ ઓછી ફરિયાદ થાય છે અને થાય તો પણ ભાગ્યે જ એનું પરિણામ આવે છે. પરંતુ 21 વર્ષની નિર્મલા ઠાકુર પર એના શેઠે બળાત્કાર કર્યો એ કિસ્સામાં લીલાબહેને એવી આકરી લડત ચલાવી કે અપરાધીને ચાર વર્ષની સજા થઈ. આ કેસ લઈને રિન્કી ભટ્ટાચાર્યે ‘ઉમ્મીદ’ નામની ટી.વી. સિરિયલ બનાવેલી.

અને આ જબરી ગુજરાતણ તો સરહદપારની લડાઈ પણ સફળતાપૂર્વક લડી ચૂકી છે. પિંકી ઊંચલ નામની છોકરી લગ્ન કરીને અમેરિકા ગયેલી. છ જ મહિનામાં પતિએ છૂટાછેડા આપી દીધાં. ભરણપોષણનું નામ નહીં. બધી બાજુથી હારેલાં મા-બાપે લીલાબહેનનો સંપર્ક કર્યો અને એમણે આ કેસ હાથમાં લીધો. ‘આધાર’ સાથે સંકળાયેલા બે ફોજદારી વકીલો એકેય પૈસો લીધા વિના આવા કેસ લડે છે. પિન્કીના અમેરિકાવાસી પતિને કાનૂની સકંજામાં લઈને એની પાસેથી ભરણપોષણ પેટે 28,500 ડૉલર લઈને ‘આધારે’ એક કાનૂની ઈતિહાસ સર્જી દીધેલો.

અને અમેરિકામાં રહેતા ગુનેગારનો કાન આમળી શકે એમને રાજકોટ ક્યાં દૂર લાગે ? બીનાને માત્ર ત્રણ જોડી કપડાં આપીને એના પતિએ ઘરમાંથી કાઢી મૂકી અને પોતે રાજકોટ ભાગી ગયો. લીલાબહેને તો ટાટા સુમો ભાડે કરીને એમના સહયોગીઓ સાથે રાજકોટ પહોંચી ગયાં. ભાગેડુ ભરથારની પોલીસઅટક કરાવી. છોકરીના સાડા ત્રણ લાખ રૂપિયાના દાગીના અને સ્ત્રીધન પાછાં મેળવ્યાં. એમણે તો પિયરપક્ષે આપેલાં વાસણ પણ પાછાં માંગ્યાં. અહીં સાસરિયાંએ બદમાશી કરી. જૂનાં-પૂરાણાં ભંગાર જેવાં વાસણકુસણ પધરાવી દીધાં. સ્થાનિક પોલીસે પણ આમાં સહકાર આપ્યો હોવાનું કહેવાય છે.

લીલાબહેન કહે, વાંધો નહીં. એમણે તો એક કોથળામાં વાસણ ભર્યાં અને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં નીકળતાં કહ્યું કે, હવે ડી.સી.પી ને મળવા જાઉં છું. ચોકીમાં ખડભળાટ થઈ ગયો અને મૂળ વાસણ પાછાં આપાયાં.

આવું તો ચાલ્યા જ કરે છે. લીલાબહેન કહે છે, “મારા કામમાં સારા-ખરાબ, પ્રમાણિક-ભ્રષ્ટાચારી પ્રકારના પોલીસ ઑફિસરો મળ્યા છે, પણ મારું કામ છે બધા પાસે કામ કરાવવાનું.” અને પોલીસને એમની પાસે લાંચ માંગતાં સંકોચ થાય એવો રસ્તો આ ચતુર નારીએ શોધી કાઢયો છે. દરેક રક્ષાબંધને એ સંસ્થાની બહેનો સાથે રાખડી અને મીઠાઈ લઈને પોતાના વિસ્તારમાં આવેલી પોલીસચોકીઓમાં ફરી વળે છે. ખાખી વર્દીવાળા ભાઈઓને રાખડી બાંધે, મોઢું મીઠું કરાવે. હવે આ બહેનો પાસેથી પોલીસ કયા મોઢે લાંચ માગે કે એમનું કામ કરવાની ના પાડે ?

સારાની જેમ જ નરસા અનુભવો પણ ઘણા થઈ ગયા છે, પણ પાછળ જોઈને નિરાશા અનુભવવાનો, દુ:ખી થવાનો સમય લીલાબહેન પાસે ક્યાં છે ? જીવનનો પોણા ભાગનો રસ્તો કપાઈ ગયો છે અને કામ તો હજી કેટલાં કરવાનાં બાકી છે !

Advertisements

3 responses to “74 થયાં તો શું થયું ? – જાહ્નવી પાલ

  1. BRAVO LILABEN. APP 74 YEAR OLD NATHI PAN 74 YEARS NA YOUNG CHHO.

  2. આવી સત્યકથાઓ વાંચીયે ત્યારે લાગે કે બહુ રત્ના વસુંધરા…
    આવા રત્નો આપણા સમાજમાં છે તે બહુ મોટું સૌભાગ્ય છે, નહીં તો કોણ પારકી પંચાત પોતાને માથે વહોરે?

  3. Very good work and heart!!! Keep it up. Long live Lilabe.