પાઠ પાકો નથી થયો – મનુભાઈ પંચોળી

શાળાનો પહેલો દિવસ હતો. આચાર્ય નવા હતા, વિદ્યાર્થીઓ પણ નવા હતા.
આચાર્યે લખાવ્યું : “સત્યં વદામિ” અને કહ્યું, “બોલો: હું સત્ય બોલું છું.”
બધા વાંચવા માંડયા : “હું સત્ય બોલું છું : સત્યં વદામિ.”
આચાર્યે કહ્યું : “કાલે પાઠ પાકો કરી લાવજો.”
આચાર્ય હતા દ્રોણ : વિદ્યાર્થીઓ હતા કૌરવો-પાંડવો. બીજા દિવસે દ્રોણાચાર્યે પૂછયું, “પાઠ કરી આવ્યા છો ?”
બધા કહે, “હા.”
આચાર્યે લખ્યું : “સત્યં વદામિ” અને કહ્યું, “વાંચો જોઈએ.” બધા એક પછી એક વાંચવા લાગ્યા : “સત્યં વદામિ…હું સત્ય બોલું છું.” અર્જુને વાંચ્યું, દુશાસને વાંચ્યું, વર્ગમાં ધ્યાન ન આપનાર ભીમ પણ કડકડાટ વાંચી ગયો ! યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરે હાથ જોડીને ગુરુને પ્રણામ કરી કહ્યું :
“ગુરુજી, મને હજુ પાઠ નથી આવડયો.”
દ્રોણાચાર્યે કહ્યું, “ભલે, કાલે પાકો કરી લાવજો.”
બીજે દિવસે પૂછયું, “કેમ, પાઠ પાકો કરી લાવ્યા છો ને ?”
વળી યુધિષ્ઠિરે કહ્યું, “હજુ પાકો થયો નથી.”
આચાર્યે વળી એક દિવસ વધારે આપ્યો. પણ યુધિષ્ઠિર તે દિવસે પણ પાકો ન કરી શક્યા. ચાર-પાંચ દિવસ ગયા, એટલે દ્રોણાચાર્યે એક દિવસ કહ્યું, “આમાં તે શું પાકું કરવાનું હતું કે હજુ પાઠ નથી આવડયો ? આ જડબુધ્ધિ દુશાસન પણ હમણાં વાંચી ગયો કે ‘સત્યં વદામિ,’ ને તને હજુ ન આવડયું ? કાલે પાકો કરી જ લાવજે !”

વર્ગમાં બધાને થયું કે યુધિષ્ઠિરને આટલુંય ન આવડે તો તે ઠપકાને લાયક જ હતા.

બીજે દિવસે દ્રોણાચાર્યે ફરી પૂછયું ત્યારે પણ યુધિષ્ઠિરનો જવાબ તો એ જ હતો : “હજુ પાઠ પાકો નથી થયો.”

“સાવ પોઠિયા જેવો લાગે છે ! આમાં તે શું આવડવાનું હતું !” દ્રોણાચાર્યે સહેજ ખિજાઈને કહ્યું; વર્ગ હસી પડયો.

યુધિષ્ઠિર અચકાતાં અચકાતાં બોલ્યા : “ગુરુજી, આપ પાઠ પાકો કરી લાવવાનું કહો છો, ને હુંય ઘણી કોશિશ કરું છું. પણ હજુયે મારાથી કોઈ વાર ખોટું બોલાઈ જાય છે, ત્યાં સુધી કેમ કરીને કહું કે ‘હું સત્ય બોલું છું’ એ પાઠ પાક્કો થઈ ગયો છે ?”

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.