મહેનતાણું – ફાધર વાલેસ

એકવાર એક કલારસિયાએ એક વિખ્યાત ચિત્રકારની પાસે જઈને પોતાને માટે એક ચિત્ર ચીતરી આપવાની માગણી કરી. મોરનું ચિત્ર અને વિનંતી એ પણ કરી કે પોતાની નજર સામે એ ચિત્ર ચીતરે. ચિત્રકારે તૈયારી બતાવી, અને ત્રણ મહિના પછી આવવાનું કહ્યું.

ત્રણ મહિના પછી ઘરાક આવ્યો અને ચિત્રકારે એને બેસાડીને કોરું કેનવાસ લઈને એના ઉપર મોરનું ચિત્ર ચીતરવા માંડયું. અર્ધા કલાકમાં જ કામ પુરું થયું. અને કામ પુરું થયું ત્યારે ઘરાકની નજર સામે મોરનું એક આબેહુબ, આકર્ષક, અદ્ભૂત ચિત્ર ઊભું થયું. ઘરાક ખુશ થયો. ચિત્ર લેવા ગયો. પણ જ્યારે એણે કિંમત પૂછી અને ચિત્રકારે સહજપણે દશ હજાર એમ કહ્યું ત્યારે એ ચોંકી ઊઠયો. શું, અર્ધા કલાકના કામ માટે દસ હજાર રૂપિયા ?

ચિત્ર તો સારું હતું. ઉત્તમ હતું. કલાનો એક નમૂનો હતું અને એ અર્ધા કલાકમાં તૈયાર થયું છે એ જો ખબર ન હોત તો દસ હજાર રૂપિયા કોઈ પણ આપવા તૈયાર થાય એવું હતું. અર્ધા કલાકમાં થયું હતું પછી આને માટે આટલી ભારે કિંમત કેમ મંગાય અને કેમ અપાય ?

એ જ વાત એણે ચિત્રકારને કહી, અને એ કિંમત ચૂકવવાની ના પાડી ત્યારે ચિત્રકાર એને અંદરની ઓરડીમાં લઈ ગયા. ત્યાં સેંકડો ચિત્રો હતાં. ભીંત ઉપર, ઘોડીઓ ઉપર ને ટેબલ પર અસંખ્ય ચિત્રો હતાં. બધાં મોરના ચિત્રો હતા. એક દ્રષ્ટિકોણથી કે બીજા દ્રષ્ટિકોણથી એક શૈલીમાં કે બીજી શૈલીમાં, એકરંગી કે પચરંગી – પણ બધાં મોરનાં ચિત્રો હતાં.

ત્રણ મહિના સુધી ચિત્રકારનો એ અભ્યાસ ચાલ્યો હતો. મોરનું ધ્યાન, કલાનો પ્રયોગ, હાથનો મહાવરો અને છેવટે જ્યારે મોરની મૂર્તિ બરાબર મનમાં બેઠી, એના અંગે અંગ નજર સામે ખડાં થયાં, એનાં મરોડો ને રંગ આંગળીને ટેરવે રમ્યા ત્યારે અર્ધા કલાકમાં ઘરાકની આગળ મોરનું આદર્શ ચિત્ર ચીતર્યું.

એ અર્ધા કલાકની પાછળ ત્રણ મહિનાની સાધના હતી. અરે, આખી જિંદગીની તાલીમ હતી. મહેનતાણું અર્ધા કલાકનું નહોતું, લાંબા અભ્યાસનું હતું. કલાનો એટલો મહાવરો હતો કે એ કલા સહજ બની ગઈ હતી અને બહારથી જોનારને એ સરળ ને સહેલી લાગતી. પણ એના સહજપણામાં જ એનું પરાક્રમ હતું ને એનું વિશેષ મૂલ્ય હતું.

અભ્યાસથી ને તાલીમકલાથી સહજ બને ત્યારે એની કિંમત ઘટતી નથી, વધે છે. પણ એ સહજ બની છે, એટલી સહેલી છે એ ભૂલ કરવી ન જોઈએ.

Advertisements

3 responses to “મહેનતાણું – ફાધર વાલેસ

  1. ek evi vaat je sahajta thi dhyaan bahaar rahi jaay ane kadaach aavuN j vartan kadaach bijaa jode aapnaa thi thai shake ….aa vaanchi ne have enu hammesha dhyaan raheshe…..

    good article ………

  2. It’s very nice example ….for value of life…

  3. Manav sahaj prakrutinu sundar aalekhan. JanyeAjanye aapane aavun vartan kari besiae chhiae. Pote anubhave tyaare bhan thay ane samjaay ke aapane ketalo annyaay bijaane kariae chhiae. uttam MANAV tarafthi UMADAA najaraanu praapt thayu khub khub AABHAAR.