લેખન – ખુશવંતસિંહ

લેખન એ એકાકી વ્યવસાય છે. એકાંતમાં રહેવાની તાલીમ માણસે પોતાની જાતને આપવી પડે છે. એક નક્કી કરેલા નિત્યકર્મને હું ગુલામની જેમ વળગી રહું છું. કેટલીક વાર તો સળંગ અઠવાડિયાંઓ સુધી હું કોઈને મળ્યો નથી કે કોઈની સાથે વાતચીત કરી નથી. (માત્ર મારા રસોઈયાને શી રસોઈ કરવી તે જણાવ્યું છે.) સરેરાશ દિવસ આખો, છેક સવારના 5 વાગ્યાથી, હું વાંચતો-લખતો રહું છું અને પછી રાતના 7 થી 8ના ગાળામાં મિત્રોને મળું છું. વરસોના અનુભવે મને સમજાયું છે કે મૌન રહેવાથી કેટલી બધી શકિત માણસમાં પેદા થાય છે, અને મળવાહળવામાં ને ફોગટ ટોળટપ્પામાં તે કેટલી વેડફાય છે.

ગમે તે બન્યું હોય, પણ હું મારા નિત્યક્રમને વળગી રહું છું અને દિવસ દરમિયાન જે કાંઈ કામનું આયોજન મેં કરેલું હોય તે પૂરું કરું છું. આ વસ્તુ બહુ અગત્યની છે અને માણસે પોતાના કામની આડે બીજા કશાને આવવા દેવું ન જોઈએ. પ્રત્યેક દિવસ માટે મેં ઠરાવેલું કામ પુરું કરું નહિ ત્યાં સુધી રાતે હું સૂઈ જતો નથી. અને તેમાં રોજ આવતી સરેરાશ 30 ટપાલના જવાબ જાતે લખવાની કામગીરી આવી જાય છે. પંજાબી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ, એ ચાર ભાષામાં મારી પર પત્રો આવે છે; તેમાંના કેટલાક ગાળાગાળીવાળા હોય છે, પણ લખનારે તેનું સરનામું જણાવેલું હોય તો તેવા પત્રોના જવાબ પણ હું લખું છું. બપોર થાય એટલે હું મારું લેખનકાર્ય શરૂ કરું છું, તે સાંજના 7 સુધી ચાલે છે; વચમાં એક ટૂંકી નીંદર કરી લઉં છું.

જેને લેખક થવું હોય તેણે સતત મથામણ કરતા રહેવું પડે છે; બીજો કોઈ રસ્તો નથી. ખૂબ વાંચવું – પછી એ શિષ્ટમાન્ય ગ્રંથો હોય કે પરીકથાઓ હોય કે જોડકણાં હોય. તે પછી જ સારા લખાણ ને ખરાબ વચ્ચેનો તફાવત આપણે કરી શકીએ.

માણસના વ્યકિતત્વની તેના લેખન પર અસર થાય છે. માણસે પ્રમાણિક બનવું જોઈએ, આડંબર છોડવો જોઈએ. જિંદગીમાં બહુ થોડા પ્રમાણિક માણસોના પરિચયમાં હું આવેલો છું – નિશાળના મારા ઉર્દુ શિક્ષક શફીયુદ્દીન નય્યર, લાહોરના દિવસોના મારા મિત્ર મન્ઝુર કાદીર અને ત્રીજા મનમોહનસિંહ; જેને હું ઓળખતો હોઉં એવા એક માત્ર પ્રમાણિક રાજકારણી તે છે.

[ અનુવાદ : મંજરી મેઘાણી, મહેન્દ્ર મેઘાણી ]

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.