કેવો એકલો છું ! – નિર્મિશ ઠાકર

ના રહી પહેચાન, કેવો એકલો છું !
હું જ મારું ગાન, કેવો એકલો છું !
યાદનું આવાગમન, ને શૂન્યતાઓ
ના રહ્યું કૈં ધ્યાન, કેવો એકલો છું !
હાલમાં મારી વ્યથા છે કર્ણશી ને-
આ ભુલાતાં જ્ઞાન, કેવો એકલો છું !
આ હયાતીનેય સમજાઈ ગયું છે
સાવ જૂઠી શાન, કેવો એકલો છું !
હું જ છું સાક્ષાત્ સામે આયનાની
હું જ છું અંતર્ધાન, કેવો એકલો છું !
બેઉ બિંદુની વચાળે શોધવું શું ?
જન્મ ને અવસાન, કેવો એકલો છું !

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.