બે સુંદર ગઝલો – ડૉ. હરીશ ઠક્કર

*મને જીંદગીને મરણની ખબર છે
સફર તે વિસામો, વિસામો સફર છે

મને મોતનો ડરના લાગે કદી પણ
મરણ માનો ખોળોને મીઠી નજર છે

જીવનને મરણતો બે મિસરા મજાના
મળે શેરિયત એ દુઆની અસર છે

જીવન દર્દ છે તો મરણ એનું ઔષધ
બિમારી હઠીલી દવા પણ અફર છે

હતો શોખ જીવન હવે એ વ્યસન છે
મજા એની સાથે ન એની વગર છે

(* પ્રથમ પંકિત શ્રી જયંત પાઠક સાહેબની છે.)

બધાની નહીં આપણી વાત કર
નથી જે કરી ખાનગી વાત કર

તને શબ્દકોશો સલામી ભરે
મને ‘હા’ કે ‘ના’ માં બધી વાત કર

નજરનાં ગુનાની કબુલાત કર
લુંટેલા મુદ્દામાલની વાત કર

મને શું ગમે ? તો મને તું ગમે
તને શું ગમે છે ખરી વાત કર

કહી ના શકાશે પ્રસંગે કશું
મને રોજ થોડી ઘણી વાત કર

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.