એવું નથી – હરીશ પંડયા

યત્ન કરવાથી બધું મળતું રહે એવું નથી,
ને રણે મૃગજળ સદા છળતું રહે એવું નથી.
કેમ છોડી જાવ છો મિજલસ, અધૂરાં જામ છે,
કે વિયોગે કોઈ તો બળતું રહે એવું નથી.
હોય સુખની વેળ જયારે લોક-ટોળાં ઉમટે
પીડમાં એકાદ જણ ભળતું રહે એવું નથી.
કોઈ પાસે માગશો પળ એક, ના આપી શકે,
કોઈ સાચી લાગણી કળતું રહે એવું નથી.
વાત વાતે થાય છે મતભેદ ને ટંટા અહીં
કોઈ કડવાં વેણને ગળતું રહે એવું નથી.
રણ હશે, રેતી હશે ને ધોમધખતો સૂર્ય પણ,
કોઈ પંખી છાંય થઈ ઢળતું રહે એવું નથી.
રાતનું, મધરાતનું કે હો પરોઢી આ સપન,
એક તો, બસ એક તો ફળતું રહે એવું નથી.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.