એવું જ માંગુ મોત – કરસનદાસ માણેક

એવું જ માંગુ મોત,
            હરિ, હું તો એવું જ માગું મોત !

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !

ઘનવન વીંધતા, ગિરિગણ ચડતાં, તરતાં સરિતાસ્ત્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.