ધૂમ ધડાકા (બાળકાવ્ય) – કેયૂર ઠાકોર

ધૂમ-ધડાકા, મોજ મજાની રાત છે કાળી,
રુમઝુમ નાચતી ગાતી આવી, પાછી રે દીવાળી.

ભણવાનું તો ભૂલી જવાનું, ફરવાનું ‘બિન્દાસ’,
ધૂમ-ધડાકા, ફટાકડાંનો મસ્ત-મજાનો ત્રાસ,
આનંદે તો રમશું દઈ એકબીજાને તાળી.

દીવાઓ ઊડાડે ઝગમગતાં ફુવારાં,
આકાશ બની ધરતી દીવા જો લાગે તારા,
ચાંદો ચમક્યો આજે ધરતીને નિહાળી.

કાજુ-કતરી, મિઠાઈ સંગે મઠિયા-સુંવાળી,
બૉમ્બ ધડાકા ગાજે, ગાજે બંદૂકની નળી,
જમીન ચક્કર ઘુમતું જાણે લાગે ગોળ થાળી.

રાત અમાસની વીતી, ‘ઊગ્યું’ નવું વરસ.
ટેટાની તો લૂમો ફૂટતી, બૂમો પડે ‘સબરસ’,
સોનેરી તો સવાર મીઠી, ‘સાલ મુબારક’ વાળી.

Comments are closed.