બે ગઝલો – રચિત ધોળકિયા

હવે યાદ આવે છે.

હતો એ સમય જ્યારે આખા શહેરમાં એક પ્રણયકિસ્સાની ચર્ચા હતી,
હવે યાદ આવે છે કે એ બદનામી અમારી અને અફવા તમારી હતી.

હતો એ સમય જ્યારે દિલોની અદાલતમાં અરમાનોની સુનવાઈ હતી,
હવે યાદ આવે છે કે એ સજા અમારી અને ફરિયાદ તમારી હતી.

હતો એ સમય જ્યારે વિશ્વાસના એરણ પર કોઈના પ્રેમની કસોટી હતી,
હવે યાદ આવે છે કે એ લાગણી અમારી અને માગણી તમારી હતી.

હતો એ સમય જ્યારે ‘તપન’ ની કલમ કોઈ કાગળ સાથે અથડાઈ હતી,
હવે યાદ આવે છે કે એ ગઝલ તો અમારી પણ શાહી તમારી હતી.

ક્ષણ શોધું છું

શ્વાસનાં આ યુધ્ધમાં લડતાં લડતાં ખાધા છે એટલા જખ્મો,
કે મારાં જખ્મો માટે મલમ બની શકે તેવી કોઈ ક્ષણ શોધું છું.

મૃગજળ જેવા ભૌતિકસુખ પાછળ ભાગીને લાગ્યો છે અંગેઅંગ થાક,
હવે પળભર બેસીને વિરામ કરી શકું તેવી કોઈ ક્ષણ શોધું છું.

નીકળી જાય છે ક્યારેક તે સમયની આગળ તો ક્યારેક પાછળ,
પણ નથી થયો જેની સાથે મારો મેળાપ તેવી કોઈ ક્ષણ શોધું છું.

કરી લીધો છે આ જીવન જીવતાં ઘણીવાર મોતનો અહેસાસ
પણ એકવાર જિંદગીનો અહેસાસ કરાવે એવી કોઈ ક્ષણ શોધું છું.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.