અપર મા – બકુલ મેકવાન

ભજન સંધ્યા પૂરી થયા પછી કાશીબાના સદ્ગુણો યાદ કરીને હાજર રહેલાં સહુ ભાવવિભોર બની ગયાં. આ ફાની દુનિયાની કાંચળી ઉતારીને દેવલોક થયાને કાશીબાને એક વર્ષ પૂરું થયું છે. તેમનાં સંતાનો અને સ્નેહીઓ આજે પણ તેમને કોટિ કોટિ વંદી રહ્યા છે.

બરોબર એક વર્ષ અગાઉ વિદાયટાણે સંતાનો અને પતિને નજીક બોલાવીને કાશીબાએ કહ્યું હતું કે, ‘આયખું આખું ખર્ચી નાખ્યું છે તો યે તમારી સેવા માટે સમય ખૂટી પડયો છે. ઈશ્વરે આ કાયાનો કારભાર ને આ બાળકોની જવાબદારી સોંપી મને ધન્ય કરી છે. આ ઘરમાં આવ્યા પછી કોઈ અણછાજતું વર્તન થયું હોય તો માફ કરશો. બધાં સંપીને રહેશો.’ કાશીબાના આ શબ્દોના પડઘા આજેય સંભળાઈ રહ્યા છે.

નવી નક્કોર ફ્રેમમાં ગઈ સાલ એનલાર્જ કરાવીને મઢેલી કાશીબાની છબી જોઈને સ્મૃતિ લગામવિહોણી થઈ અતીતમાં દોડવા લાગે છે. કાશીબાની હસતી છબી હમણાં જ મીઠા સાદે ટહુકી પડશે એવી ભ્રાંતિ થઈ રહી છે. લગામવિહોણી સ્મૃતિની અતીતમાંની દોડ મને ગમે છે. મનુષ્યમાત્રનો એ સ્વભાવ છે. સુખદ લાગણીઓ મમળાવવી ગમે છે; તો ક્યારેક અતીતની વેદનામાં ભીંજાયા કરવાની પણ મઝા કાંઈ ઔર હોય છે. કઠોર વાસ્તવિકતાઓનો ઢાંકપિછોડો કરતી સુખદ સ્મૃતિ મધુર લાગે છે.

મારું મન સ્વગત બોલી ઉઠે છે, ‘દેહમાં જે હયાત નથી તેની સ્મૃતિ તો હયાત રહે છે પણ જ્યાં લગીએ સ્મૃતિ શબ્દ-દેહ ધરતી નથી ત્યાં સુધી એ સ્મૃતિ સ્મરણાંજલિ પૂરતી જ ખપ લાગે છે…ને એટલે જ મારા મનોજગતમાં લગામવિહોણી થઈ દોડી રહેલી સ્મૃતિને મેં અક્ષરદેહમાં જન્મ આપ્યો છે. સ્મૃતિની અતીતમાંની દોડ કસ્તુરબા જેટલા કદની એક જાજરમાન કાયા નજર સમક્ષ લઈને આવે છે. પાંસઠની ઉંમરે પણ જેના ચહેરા પર વાર્ધક્યના ચાસ નથી એવાં કાશીબા મારી આ કથાનું યાદગાર પાત્ર છે. કાશીબા ભલે આજે હયાત નથી પણ તેમણે આખું આયખું અજવાળી જાણ્યું છે. ચાલીસેક વર્ષ અગાઉ વીસીની વયે કાશીબાએ ભૂતબંગલા સમી હવેલીમાં ડગ માંડેલા ત્યારે પોળમાં ચણભણાટ થવા લાગેલો. ઠરેલ વૃધ્ધાઓ કહેતી, ‘ભરજુવાનીમાં બિચારીનો ભવ બગડી ગયો.’ તો પોળની યુવાન અને ચંચળ સ્ત્રીઓ કહેતી, ‘આ મનુભાઈની વિધુર અવસ્થા જળવાઈ નહીં. આંગણે બે બાળકો હજુ તો રમી રહયાં છે ને આ નવી હારયે ઘર માંડવાના કોડ જાગ્યા છે.’ તો બીજે ક્યાંકથી બીજી વાત હવામાં ફંગોળાતી, ‘આ નવી મા છોકરાઓને અનાથાશ્રમમાં ધકેલી દઈ મનુભાઈને દિવાનો કરી દેશે.’

જો કે સમય વીતતાં કાશીબાના માયાળુ વર્તને સૌની બોલતી બંધ કરી દીધેલી. કાશીબાએ મનુભાઈને એક દિવસ જણાવેલું, ‘જુઓ ઘરની જરાપણ ફિકર કરતા નહીં. હું તમારી ઘરવાળી જ નહીં; આ છોકરાંઓની મા બનીને પણ ઘરમાં આવી છું. ધરપત રાખજો. દુનિયા ભલે મને અપર મા નાં મહેણાં મારે; હું તો આ શબ્દ પર લાગેલા કલંકને ભૂંસીને જ જંપીશ. ઊપરવાળાએ દીધેલાં આ છોકરાંઓની સાચી જનેતા બની મારે તેમના જણનારની ખોટ પૂરવી છે.’…. અને કાશીબાએ મનુભાઈના ઘરસંસારના રગશિયા ચાલતા ગાડાને તેજ ગતિમાં લાવી દીધેલું. સવારના પહોરમાં વહેલા ઊઠીને દીવો કરીને આંગણે બાંધેલી વઢવાણી ભેંસ અને બે ગાયોને ચારો નીરવો, દૂધ દોહવું, પતિ અને બાળકોને જગાડી હેતથી ગરમાગરમ રોટલો અને દૂધ પીરસવું, એ કાશીબાનો નિત્યક્રમ; તો ઘર અને બે વીંધા જમીનનો કુશળતાથી કારભાર પણ કાશીબા ચલાવી જાણતા. સૌ કહેતા, ‘મનુભાઈની બીજી વહુ ભારે વહેવારૂ નીકળી. આપણને તો એમ કે મનુભાઈ ભીખ માગતા થઈ જશે પણ પારકી જણીના આ છોકરાંઓને પણ કાશીબાએ તેમની અસલી જનેતા ભૂલાવી દીધી છે.’ કાશીબાને ઓળખનાર આજે પણ તેમણે અજવાળેલા આયખાની વાત કરતાં થાકતા નથી કારણ કાશીબા આખી પોળનાં પ્રેમાળ બા બની રહેલાં. મનુભાઈની પ્રથમ પત્નીના આકસ્મિક અવસાન બાદ જડ બની ગયેલા એમના માંહયલામાં કાશીબાએ નવો પ્રાણ ફૂંકેલો. કાશીબાના બલિદાનને શું નામ દેવું તેની અવઢવ આજે પણ રહ્યા કરે છે. કાશીબાને સંસારના કેટકેટલાં વાવાઝોડાં દીઠાં છે તેનાથી સહુ સુપેરે વાકેફ છે. ક્યારેક પિયરથી મળેલાં ઘરેણાં વેચીને દિવસો ટૂંકા કર્યા છે; તો વરસાદે રુસણાં લીધાં હોય તેવા દિવસોમાં એકટાણું કરી પતિ અને બાળકોને નેહથી જમાડયાં છે. તેમની જીંદગીની સૌથી મોટી કુરબાનીથી પણ કોણ અજાણ છે ? આ કુરબાનીએ તો કાશીબાને સગી જનેતા કરતાં પણ અદકેરું સ્થાન દીધું છે. સગા પેટના વારસને કીડની દેનાર જનેતા પ્રતિ જે સન્માન પ્રગટે છે તેથી પણ અદકેરું સન્માન મારા સ્મરણપટ પર આજે પણ અકબંધ છે. અપશુકનિયાળ લાગતા અપર મા જેવા શબ્દને કાશીબાના બલિદાને અર્થસભર અને ચેતનવંતો કીધો છે.

ચોમાસાની એક ઢળતી સાંજ. ત્રણ દિવસની લગાતાર હેલી પછી આકાશ ઉઘડયું છે. દેહને ભીંજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રંગબેરંગી આકાશમાં વિવિધ પક્ષીઓ પોતાના માળા પ્રતિ પ્રસ્થાન કરી રહ્યાં છે. વાતાવરણમાં માદકતા છવાઈ ગયેલી છે. બહાર આંગણાંમાં ઢોલિયો ઢાળી બેઠેલા મનુભાઈ અને થોડે દૂર પાણીથી ભરેલાં ખાબોચિયામાં બાળકો કાગળની હોડી તરતી મૂકી રહ્યાં છે. આવી ખુશનુમા સાંજે કાશીબા મનુભાઈ પાસે ઢોલિયે બેસી કહી રહ્યાં છે, ‘સાંભળો, ઘણા દિવસોથી તમને કહેવા વિચારું છું પણ આજે મારે એ વાત કહેવી જ પડશે. આજે મારે તમને મારા એક અફર નિર્ણયની વાત કહેવી છે. મારે મારાં પેટનાં સંતાનો જણવા નથી આ બે સંતાનોને જ મેં મારી થાપણ ગણ્યાં છે. તમારે મને મારા નિર્ણયમાં સાથ આપવાનો છે.’

મનુભાઈ અવાક્ થઈ ગયેલાં, ‘અરે તું ગાંડી થઈ છે ? સંતાન તો ભગવાનની મહામૂલી ભેટ ગણાય. લોકોનાં વાંઝિયાં-મહેણાં ક્યાં લગી સાંભળવાં ? જરા વહેવારૂ બન. અને તું કયાં મારાં સંતાનોને દુ:ખ આપે છે. મને ખાતરી છે, તારા પેટે મારું સંતાન અવતરશે તો પણ મારાં સંતાનો પરના તારા પ્રેમમાં જરાયે ઓટ નહીં આવે.’ કાશીબા ગંભીર મુખમુદ્રા ધારણ કરતાં બોલ્યાં, ‘જુઓ, સંતાન તો ભગવાનની પ્રસાદી છે એ વાત ખરી, પણ આ બાળકોનો હક્ક છીનવાઈ જાય તે મને લગીરે પસંદ નથી. લોકોનાં મહેણાં-ટોણાંની મને જરાયે પડી નથી. રખેને એવું બને કે પેટના જણ્યા પછી આ છોરાંઓ માટેની મારી મમતામાં ઓટ આવે. આ લાગણીઓનો ભરોસો નહીં. મનેખના પંડયમાં કોને ખબર એ ક્યારે છેહ દે.’ પણ મનુભાઈની સમજાવટ સામે કાશીબાની સ્ત્રીહઠ જીતેલી. આજે એની ફલશ્રુતિ સ્વરૂપ કાયા નીચોવીને કાશીબાએ વર્ષો સુધી રેડેલો પરિશ્રમ ઝળકી રહ્યો છે. મનુભાઈના હોલવાઈ જતા બે દીવાઓની વાટમાં કાશીબાએ પ્રેમનું તેલ સીંચીને દીવાઓની બૂઝાતી વાટની રોશની ઝળહળતી રાખી છે. મનુભાઈના આગળના ઘરના બે સંતાનો પૈકી જ્યેષ્ઠ દીકરો દીપક અમદાવાદમાં જાણીતો હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે; તો નાનો દિકરો કુલદીપ કુવૈત એરલાઈન્સમાં ઈજનેર છે. કાશીબાએ સાચે જ જીંદગીના ત્રિઅંકીમાં માના પાત્રને આબેહૂબ ન્યાય આપ્યો છે.

કાશીબાની કથાને શબ્દદેહ આપતાં તેમના મારા પરના ઉપકારોને શીદને વિસરાય ? કાશીબા- આર્થિક ભીંસમાં મઝધારે અટવાતી મારી ભણતર નૈયાને કિનારે લાવનાર કશ્તી બન્યાં છે. બા અવારનવાર મને કહેતાં, ‘દીકરા, ભણીશ તો સુખી થઈશ. પૈસા ખાતર ભણતર અધૂરું છોડીશ નહીં. મદદની જરૂર હોય તો બેધડક જણાવજે.’ અને એટલે જ પ્રેમ અને માવજતના ખાતર વડે પોષાયેલી મારી જીંદગી મબલખ મોલ થકી લચી પડેલા ખેતરની જેમ ઝળૂંબી રહી છે તેનો મને આનંદ છે, પણ અઢળક અફસોસ એ વાતનો છે કે કાશીબાની અંતિમ પળોમાં હું જોજનો દૂર હતો. કાશીબાના અગ્નિદાહ પ્રસંગે પણ ઉપસ્થિત ન રહી શક્યાનો રંજ મને ઘેરી વળે છે.

ભજન સંધ્યા અગાઉ કાશીબાના સ્વર્ગવાસની વરસી ટાણે લોકોએ સ્નેહાંજલિ અને શ્રધ્ધાંજલિનો ધોધ વરસાવ્યો છે. શ્રધ્ધાજંલિ પ્રસંગે ઉપસ્થિત સંતો-મહંતોએ કાશીબાને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી છે; પણ મારું મન અતીતમાં ડોકિયું કરીને હમણાં જ કઠોર વાસ્તવિકતા ભણી ડગ માંડી રહ્યું છે. કાશીબાના એક નજીકના સ્નેહી મને બા વિશે કાંઈક બોલવાનો ઈશારો કરે છે. હું શું કહું ? શ્રધ્ધાંજલિ પણ કેવી રીતે આપવી ? કારણ શ્રધ્ધાંજલિ તો મૃતાત્માઓને અર્પણ થાય છે. કાશીબાએ તો આયખું જીવી જાણ્યું છે અને આજે પણ મારા માનસપટ પર તેમની છબી ચિર:કાળ માટે અંકિત થઈ ચૂકી છે. કાશીબાનાં સ્મરણો મારા માટે આ લોકની મુસાફરીમાં દીવાદાંડી બની મારો પથ અજવાળી રહ્યાં છે. એટલે અંતરના સ્નેહ-સુમન અર્પતાં કાશીબા થકી ધબકી રહેલા શ્વાસની સાખે કહેવું છે:

‘માણી રહ્યો છું જીંદગી આજ જેના થકી
જેણે કાલ મારી અજવાળી હતી.’

તંત્રીની નોંધ (રીડગુજરાતી.કોમ)

વડોદરાના નવોદિત અને લોકપ્રિય લેખક શ્રી બકુલ મેકવાને ટૂંકીવાર્તાઓનું એક સુંદર પુસ્તક – ‘અંજળ પાણી’ પ્રકાશિત કર્યું છે. આ લેખ એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહિત્ય એકાદમી’ એ પસંદ કર્યું છે અને તેની પ્રસ્તાવના લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્યકાર ડૉ. શરદ ઠાકરે લખી છે. શ્રી જોસેફ મેકવાન સાહેબે પણ આ પુસ્તકને આવકાર્યું છે. સમાજના અલગ અલગ રંગોને સ્પર્શતી કુલ પંદર વાર્તાઓનો તેમાં સમાવેશ કરાયો છે. આ પુસ્તક મેળવવા કે તે વિશેની વધુ માહિતી માટે આપ લેખક શ્રીને ઈ-મેઈલ કરી શકો છો. તેમનું ઈ-મેઈલ સરનામું છે : pacgmp.gsecl @ gebmail.com અથવા આપ મને લખી શકો છો.

Advertisements

0 responses to “અપર મા – બકુલ મેકવાન