ત્યાગ ન ટકે – નિષ્કુળાનંદજી

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ તજાયજી… ત્યાગ.

વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી,
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ.

કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી,
સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ.

ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી,
ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં વિષે વિકારજી… ત્યાગ.

ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય વિષય સંયોગજી,
અણ ભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી… ત્યાગ.

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી,
તે વરણી આશ્રમથી, અંતે કરશે અનર્થજી… ત્યાગ.

ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ બગડયું દૂધજી,
ગયું રે દ્યૃત મહિ માખણથી, આપે થયું અશુધ્ધજી… ત્યાગ.

પળમાં જોગી પળમાં ભોગી, પળમાં ગૃહી ને ત્યાગીજી,
નિષ્કુળાનંદ કે એ નરનો, વણ સમજ્યો વૈરાગ્યજી… ત્યાગ.

Comments are closed.