સોનામહોર – ફાધર વાલેસ

એ ગરીબ હતો અને બ્રાહ્મણ હતો. એક દિવસ એણે વાત સાંભળી કે જે કોઈ બ્રાહ્મણ સૂર્યોદયના મુહુર્તે સૌથી પહેલો રાજમહેલના દરવાજે આવે છે તેને રાજા એક સોનામહોર આપે છે. એ વિચાર સાથે તે રાતે ઊંઘતો હતો, એમાં મધરાતે પૂનમની ચાંદની એની આંખો પર પડી એટલે સૂર્યોદય થયો એમ સમજીને તે ઉઠયો, દોડયો અને રાજમહેલના દરવાજાની આગળ બૂમો પાડવા લાગ્યો.

રાજાના રક્ષકોએ એને પકડયો અને જેલમાં પૂર્યો, પણ બીજે દિવસે રાજાને ખબર પડી ત્યારે એમને દયા આવી અને ગરીબ બ્રાહ્મણને બોલાવીને એને ગમે તે માગે તે આપવાનું વચન આપ્યું.

ગરીબ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો : “માગી માગીને હું શું માગી શકું ? હા, એક સોનામહોર તો ખરી. પણ બે કેમ નહિ ? ગમે તે માગવાની છૂટ આપી છે. અને બે માગું તો ત્રણ કેમ નહિ ? અથવા ત્રણ કે દસ ? પછી દસની વીસ, વીસની સો અને સો ની હજાર. હજાર સોનામહોરોથી જીવન સુધી મારું ગુજરાન ચલાવું, પણ મારા કુટુંમ્બનું શું અને મારા ભવિષ્યમાં દીકરાઓનું શું ? લાખ સોનામહોર માગું કે કરોડ માગું ? તો પછી પૂરું રાજય કેમ નહિ ? જોકે આખું રાજય માગું તો દયાળું રાજાને અન્યાય કર્યો કહેવાય. અર્ધું માગું તો પૂરતું છે. અને રાજ્ય ચલાવવામાં આખરે તો ઉપાધી જ છે. પૈસા માગવા સારા. કરોડ સોનામહોર. લાખ. હજાર. વીસ. દસ. ત્રણ. બે. બસ, રાજા રોજ આપે એવી એક સોનામહોર માગવી એ જ યોગ્ય છે. જોકે એક સોનામહોરની મારે શી જરૂર. જેવું છે તેવું શું ખોટું છે !

…..અને ગરીબ બ્રાહ્મણને શાંતિ વળી.

Advertisements

One response to “સોનામહોર – ફાધર વાલેસ

  1. GOOD SHOT ON CURRENT MENTALITY ! !
    THE ARTICLES OF ATHER WALLACE IS BEST FOR THIS TYPE OF ARTICLES