સૌથી ક્રૂર હિંસા – સર્વેશ વોરા

એક વડીલ છે. ધર્મ, આપણો મહાન વારસો, તપશ્ચર્યા, અહિંસા અનેકાંત વગેરે પર જાણે ઓથોરિટી ! બાહ્ય ધાર્મિક નિયમો ભારે ચુસ્તીથી પાળે. દિવસના અમુક ભાગમાં એમને મળવું હોય તો અચૂક એમના સંપ્રદાયનાં ધર્મસ્થળમાં હોય. રૂબરૂ વાતો કરે ત્યારે આપણને થાય કે ‘આ મહાશય અનુકંપાના અવતાર છે.’ એમનાથી કીડીને ઈજા પહોંચે તો પણ એમને અપાર દુ:ખ થતું હશે.

પણ એમના ગાઢ પરિચયમાં આવો તો ખબર પડે કે એમની ગણતરીઓ અને પૂર્વગ્રહોનો પાર નથી. એમની ચામડી નીચે પોતાના સંપ્રદાય અંગેના બાલિશ ઝનૂનનું કાળું લોહી વહેતું હોય ! શાબ્દિક કટાક્ષોમાં ભારે પ્રવીણ. પત્નીને વાક્બાણોથી મારતાં, વ્યવસાયના પ્રતિસ્પર્ધીનાં ગંદા લૂગડાંની ફાઈલ સાચવતાં, પોતાના સમવયસ્ક પ્રત્યે ઈર્ષ્યાળુ વર્તન કરતાં – આ બધું કરતાં એમને ક્યાંય આતમરામ ડંખે નહીં !

તમે કોને મોટો હિંસક કહેશો ? પત્ની પર હાથ ઉપાડીને ગાળો બોલનાર પેલા ઝૂંપડપટ્ટીના જણને કે પત્ની પર ચાતુર્યપૂર્વક કટાક્ષ દ્વારા ચારિત્રય અંગે ઘાવ કરનાર જણને ? તમે કોને વ્યસની કહેશો ? ચા-કૉફીના ગુલામને કે દારૂના ગુલામને ? કોણે કહ્યું કે દારૂનો ગુલામી વ્યસની છે અને ચા-કૉફીનો ગુલામી વ્યસની નથી ? આપણે લુચ્ચાઈમાં પણ સામૂહિક સહોદરભાવ દાખવ્યો છે. આપણે બધાએ સહમતી દ્વારા ધાર્મિકતાના તૈયાર પોશાકોનો સ્વીકાર કર્યો છે. હિલ સ્ટેશનો પર ઠંડીમાં પહેરવાના કોટ ભાડે મળે એમ કહેવાતી ધાર્મિકતા ભાડે આપવા-લેવા આપણે સંપ્રદાયો, સંપ્રદાયિક અડ્ડાઓ, ધર્મગ્રંથો વાપરીએ છીએ.

ને પછી સરળ, ‘કોસ્મેટિક’ ધાર્મિકતા પસંદ કરીને ફુલાતા ફરીએ ! તમે મને ‘ધર્મચુસ્ત’ કહો, હું તમને ‘ધાર્મિક’ કહું ને આપણી જ કરામત વાપરનારા અન્ય આપણને ‘ધાર્મિક’ કહે ! મોસાળમાં જમણ ને મા પીરસનાર !

પોતાનો અતિ ‘ધર્મ’ ચુસ્ત માનનાર સાંપ્રદાયિક જણ એક વિરાટ ખૂનરેજીમાં સાથ દઈ રહ્યા હોય છે. અલબત્ત, આ ખૂનરેજીથી વહેતું લોહી નજરે દેખાય નહીં, પણ જાણ્યે-અજાણ્યે પોતાના સંપ્રદાય અંગેનો હઠાગ્રહ એમને અન્ય પ્રત્યે નફરતની નજર જોતા કરી દે. એક સામૂહિક હિસ્ટેરિયા ઊભો થાય. એમને કીડી-મંકોડા પ્રત્યે અનુકંપા કબૂલ, એમને હાથીઘોડા પ્રત્યે દયા કબૂલ, એમને મૂંગા પ્રાણી પ્રત્યે દયા કબૂલ, પણ જો અન્ય વિચારધારા ધરાવનાર, અન્ય સંપ્રદાયનો જણ હોય તો એના પ્રત્યે ભયાનક પૂર્વગ્રહ સાથેનો ‘અપના-પરાયા વાદ’ ! અન્ય સંપ્રદાયની વ્યકિત એક સરેરાશ જીવ જેટલું સન્માન પામવાને લાયક પણ નહીં ?

માણસ મધ્યવય સુધી સંપ્રદાયિક નશામાં ઝૂમતો ફરે, પણ પછી મૃત્યુ જ્યારે ડોળા ફાડીને સામે આંખો મેળવી રહ્યું હોય, જીવનસંધ્યાના ઓળા ઊતરી રહ્યા હોય, ત્યારે પણ અંતરરામ જાગે નહીં ? પૂર્વગ્રહો મંદ ના પડે ? ઝનૂન ઓછું ના થાય ? અપના-પરાયાવાદ દૂર ના થાય ? તમે દેહ છોડો પછી પણ તમારા સંપ્રદાયની બ્રાન્ડ સાથે લઈ જવાના છો ?

પરંતુ ના.
ઉંમર વધે તેમ સાંપ્રદાયિક અપના-પરાયાવાદ વધારે નઠોર બનતો દેખાય છે. આ અપના-પરાયાવાદમાં તેમને ઘોર હિંસા અને અતિજડ મિથ્યાત્વનાં દર્શન થતાં નથી, કારણ કે બાળપણથી એમને ઊંધા સાથિયા ઘૂંટતા શીખવાડયું હોય છે. આધ્યાત્મિકતા એટલે સાંપ્રદાયિક ઝનૂન નહીં, ધાર્મિકતા એટલે બાહ્ય શિસ્ત માત્ર નહીં, સાચી આધ્યાત્મિકતા વિક્સે તેમ માણસ અન્ય વિચારધારા પ્રત્યે વિશેષ ઉદાર બને, પણ આ બધાં સ્વયંપ્રકાશિત સત્યોના સંસ્કાર અપાય તો ઘેટાં ક્યાંથી લાવવાં ? અંધ અનુયાયીઓ ક્યાંથી લાવવા ?

બાહ્ય શિસ્તને ‘ધાર્મિકતા’નું, ‘સજ્જનતા’નું લેબલ આપવામાં ઉતાવળ કરવી નહીં. ઘણીયે વાર ‘ચોરોના હિસાબ ચોખ્ખા હોય છે’ ને પત્નીને ગાળ નહીં આપનાર, હાથ નહીં ઉપાડનાર ડાહ્યોડમરો જણ પત્નીની ઘોર માનસિક હિંસા કરતો હોય છે !

Advertisements

One response to “સૌથી ક્રૂર હિંસા – સર્વેશ વોરા

  1. very very good article.congrtas to SARVESH VORA.liked it very much.such articles r todays need.and thanks mrugeshbhai for selecting such a nice article