સફળતાનો સંકલ્પ – મૃગેશ શાહ

આજે કોઈપણ વ્યકિત પોતાના ક્ષેત્રમાં સફળ થવા ઈચ્છે છે. પ્રત્યેકને પોતાના ક્ષેત્રમાં એક ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય છે તેથી તે ઉત્સાહ અને ઉમંગથી પોતાના કામમાં લાગી પડે છે. પણ થોડા સમય બાદ આટલા ઉત્સાહ અને ઉમંગથી સફળતાને પ્રાપ્ત થવા નીકળેલો વ્યકિત, પોતાના ક્ષેત્ર ને છોડવા મજબૂર થઈ જાય છે, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે એ વ્યકિતએ અનેક સપનાઓ જોયેલાં એનું શું થયું ? એનો ઉત્સાહ ક્યાં ગયો ?

આવું ઘણીવાર બનતું હોય છે. અને તેની પાછળ કારણ હોય છે, થોડાંક વિપરીત સંજોગોનો સામનો નહી કરી શકવાને કારણે થયેલી માનવીની પીછેહટ. સફળતાનું લક્ષ્ય એ સારી વસ્તુ છે પણ એ લક્ષ્યને અમુક સમયના બંધનો માં બાંધી દેવામાં આવે છે ત્યારે એ લક્ષ્ય પોતે જ નિષ્ફ્ળતાનું કારણ બને છે. ઘણા યુવાનો એમ માને છે કે જો મને 25 મા વર્ષ સુધીમાં નોકરી મળી જાય તો મારું જીવન સફળ અને જો ના મળે તો આ બધું ભણ્યાનો કંઈ અર્થ નહીં. મહીને પંદર હજાર કમાયા તો સફળ, નહિં તો આ જિંદગી નો કંઈ અર્થ જ નહિં…., આમ તો થવું જ જોઈએ, ફલાણું તો હોવું જ જોઈએ….એમ જે લોકો માની ને સફળતાને સમયના બંધનો માં જકડી દે છે તેઓ કદી સફળતાનો સ્વાદ ચાખી શકતા નથી. તમે જ્યારે સફળતાને અમુક ધારાધોરણોમાં ફીટ કરી દો છો ત્યારે એનો મતલબ એમ થાય કે તમને તે પ્રવૃતિમાં રસ જ નથી, તમે બસ… એને નિશ્ચિત પ્રમાણમાં પૂરી કરવા માંગો છો. પંદર હજાર મળતા ગયા એટલે બસ આ જિંદગી સફળ, હવે બીજું કાંઈ શીખવા-જાણવાની શી જરૂર, પૈસા તો મળે છે ને નિયમિત….. આવું જે લોકો વિચારતા હોય તે લોકો સોનામહોરના બદલામાં પથ્થર મેળવીને સંતોષ માને છે તેમ કહેવાય.

જો તમે ખરેખર સફળતા ઈચ્છતા હોવ તો કદી કોઈ બંધનો માં બંધાઈ જઈને સીમીત બનશો નહીં. અંગ્રેજીમાં ક્હેવત છે ‘સ્કાય ઈઝ ધી લીમીટ’. તમારું લક્ષ્ય આકાશ જેટલું વિશાળ હોવું જોઈએ. સમય, પૈસા અને ઉંમરના બંધનો ને છોડીને તમે જે ક્ષેત્રમાં હોવ તેમાં રસપૂર્વક કામ કરો. જો તમે એકવાર રસ લેતાં થઈ જશો, પછી ક્યારે, કેટલા સમયમાં, કેવીરીતે, શું બન્યું અને તમે એક ઉંચાઈ એ પહોંચી ગયા તે તમને ખબર પણ નહીં પડે. હા…., તમને નિષ્ફળ બનાવે એવા તત્વો તો આવવાના, વિધ્નો પણ આવવાના, પણ જો ખરેખર રસ કેળવ્યો હશે તો પાછા નહીં હટો. સમયના બંધનો બાંધીને માંડમાંડ જે લોકો કરતા હશે તે ફેંકાઈ જશે. કોઈ પણ ક્ષેત્રમાં પાછા નહીં પડવા માટે બીજા કોઈ તત્વની જરૂર નથી, સિવાય કે તમારો રસ અને તમારી એ ક્ષેત્ર પ્રત્યેની રૂચી.

મારી ઓફીસ ની સામે એક ફલેટની ગેલેરી પડે છે. ત્યાં એક વૃધ્ધ દંપતી રહે છે. એક દિવસ મારે કોઈ કારણસર એમને ત્યાં જવાનું થયું અને વાતમાંથી વાત નીકળતા એ વૃધ્ધ દંપતિએ મને તેમના સંતાનની પ્રગતિની વાતો કરી જે મને ખૂબ સ્પર્શી ગઈ. તેમના એક ના એક પુત્રને નાનપણમાં ભણવાનું બહુ ગમે. સ્કુલમાં નંબર લાવે એટલે ઈનામ મળે. ઈનામની લાલચમાં તે ભણે. મનમાં….નંબર તો મળવો જ જોઈએ…..અને તે પણ પહેલો જ. પહેલો નંબર મળે તો જ સફળતા, એવી જિદ્દ. આ બધું નવમાં ધોરણ સુધી ચાલ્યું, હવે થયું એવું કે એસ.એસ સી માં ભાઈ ફેંકાઈ ગયા. ફેંકાવાનું કારણ એ હતું કે રસપૂર્વક પૃથ્થકરણ કરીને નહોતું વાંચ્યું. એટલે થયું એવું કે જે પ્રશ્નો પૂછાયા એ બધા જ આવડતા હતા પણ તેના જવાબમાં શું લખવું તે સમજ ના પડી. પુત્ર એ તો નાસીપાસ થઈને ભણવાનું છોડી દઈશ એવી જાહેરાત કરી દીધી, પણ પિતા પુત્રની રગ પારખી ગયા. તેની નિષ્ફળતાનું કારણ બરાબર જાણી લીધું, અને તેને રસ પડે તેવો માહોલ ઊભો કર્યો. અગિયાર અને બારમા ધોરણમાં તેની પાસે બેસી ને તેને એકાઉન્ટ્સના વિષયમાં એટલો બધો રસ પાડ્યો કે તેમાં તો તેની માસ્ટરી આવી ગઈ. તે છોકરો બીકોમ ઓનર્સ ડીસ્ટીંગશન સાથે થયો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એક સાથે કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટની સાથે પરિક્ષા આપી અને ચાર વર્ષની અંદર સી.એસ અને આઈ.સી.ડબલ્યુ પણ થઈ ગયો. પિતાએ તેને સરકારી નોકરી મેળવવી હોય તો ‘એમ.કોમ’ તો કરવું જ પડે એમ કહ્યું અને તેણે એમ.કોમ અને એલ.એલ.બી બંને સાથે શરૂ કર્યું અને પૂરું પણ કર્યું. એના પિતા મને કહેતા હતા કે વાંચવા માટે તે જયારે ટેબલ પર બેસતો ત્યારે અમારે તેને ખેંચી ને જમવા માટે ઉભો કરવો પડે એટલો બધો તલ્લીન બની જતો. આટલું તો ઓછું હોય તેમ, તેણે લંડન જઈને વિશ્વના સહુથી ટોપ ઓડીટરો માટેની પરિક્ષા આપી, અને જેમાં માત્ર બાર જ વિદ્યાર્થીઓને પાસ કરે છે તેમાં પણ તે ઉતીર્ણ થયો. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આજે એ પાંચ આંકડાનો પગાર દર મહિને મેળવે છે અને સાથે સાથે પી.એચ.ડી કરે છે. જોઈ ને સફળતાની ઉંચાઈ !

તમે પણ તમારા ક્ષેત્રમાં આટલી તલ્લીનતા કેળવશો, તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવતા નહીં અટકાવી શકે. શું માનો છો ? બરાબર ને !?! તમારે માત્ર તમાર ક્ષેત્રમાં રસપૂર્વક કામ કરતા રહેવાની જરૂર છે. ઘણા લોકો એમ કહે છે કે સફળતા માટે ધીરજ રાખવી પડે, પણ મારું તો એવું માનવું છે કે તમને જો તમારા ક્ષેત્રમાં રસપૂર્વક કામ કરવાની ઈચ્છા હોય તો તમારે ધીરજ અને નાધીરજ એવા બધાં શબ્દોની પણ જરૂર નહીં પડે. અને ખરી સફળતા તો એ છે કે, જેમાં લોકોને કાંઈ સમજણ નથી પડતી, જેમાં લોકો અટવાય છે તેવા કોઈ પણ કામમાં તમે માથું મૂકીને દશ કલાક કે તેથી વધારે બેસી શકો છો….તો શું એ જ સફળતા નથી ?

ટૂંકમાં મારે તો એટલું જ કહેવાનું કે જે ક્ષણ થી તમે તમારા ક્ષેત્રમાં રસ લેતાં થઈ જાઓ છો, ત્યારથી જ તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ…. આગળ આગળ જે કાંઈ ઉંચાઈ મળે એ તો તમારી સફ્ળતાના પરિપાકરૂપે તમારી દુનિયાએ કરેલી કદર છે.

Advertisements

3 responses to “સફળતાનો સંકલ્પ – મૃગેશ શાહ

 1. agreed.
  however, it requires a STRONG WILL POWER.
  gud article.
  thanks Mrugeshbhai

 2. કોમેન્ટ વાંચી એટલે આ ઘણા જૂના લેખને વાંચવાની ઇચ્છા થઇ .
  મ્રુગેશભાઇ, તમારો લેખ વાંચીને સ્વ.અમ્રુત ઘાયલનો શેર યાદ આવી ગયો:-

  તને પીતાં નથી આવડતું, રે! મૂર્ખ મન મારા.
  નહીં તો દુનીયાની કઇ ચીજ છે, જે શરાબ નથી?

  આમાં શરાબની વાત નથી, પણ એક જુસ્સાની વાત છે. Passion ની વાત છે. જે કોઇ પણ વ્યક્તિએ જીવનમાં સમાજને કંઇક પ્રદાન કર્યું છે, તે બધા આવા કોઇ ને કોઇ Passion થી પ્રેરાયેલા હોય છે. તમારો આ રીડ ગુજરાતીનો Passion ઈશ્વર કાયમ રાખે. માત્ર રૂપીયા ગણતા ગુજરાતીઓને આની બહુ જ જરુર છે.

 3. અનિલ પટેલ

  મ્રુગેશભાઈ તમે ખુબ સુંદર લેખ લખ્યો છે.ગુજરાતી ભાષા નુ જતન યુવાનો જ કરવુ પઙશે.આ માટે યુવાને પહેલા પોતાની જાતે મજબુત થવુ પઙશે.આ માટે આવા લેખો દીવાદાંઙી રુપ બની રહેશે.આવા અન્ય લેખો પણ મુકતા રહેશો.