સંગઠનશકિત – રવિશંકર મહારાજ

એક જાનને ચોરોએ રસ્તામાં લૂંટી લીધી. એટલે બધા જાનૈયા બૂમો પાડતા પાડતા ગામ તરફ ભાગ્યા. એમને દોડતા જોઈને એક માણસે પૂછયું, “અલ્યા, કેમ બૂમો પાડો છો ? શું થયું ?”
“ચોરોએ લૂટયા,” જાનૈયાઓએ કહ્યું.
”કેટલા ચોર હતા ?”
”ત્રણ”
“અને તમે ?”
“અમે અઢાર જણ હતા.”
“તો પછી નાઠા કેમ ?”
“અમે અઢાર હતા પણ છૂટા હતા; ત્યારે ચોર ત્રણ હતા પણ ટોળીમાં આવ્યા હતા. અમે છૂટા હતા એટલે જેને પડી તે જીવ લઈને નાઠો ને ચોરોએ જાન લૂંટી લીધી.”

ઘાસના એક તણખલામાં બળ કેટલું ? કંઈ નહીં. ઘણાં તણખલાંનો ઢગલો કર્યો હોય તો તેમાંય બળ નથી. પવનનો એક સપાટો આવે તો તણખલાંને ઉડાડીને ક્યાંય લઈ જાય. પણ એ બધાં તણખલાં ભેગાં થઈને અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે. ત્યારે બળ ઢગલામાં નથી પણ અમળાવવામાં છે. આપણા દેશમાં અબજો માણસ છે પણ આપણામાં સંગઠન નથી. શકિત તો આપણામાં બહુ છે, પણ વેરવિખેર પડેલી છે. એ એકઠી થઈને અમળાઈ નથી. તેની આપણે દુ:ખી છીએ. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જોડાઈએ તો કોઈ દુ:ખી નહિ રહે.

Advertisements

One response to “સંગઠનશકિત – રવિશંકર મહારાજ

  1. SANGATHAN MA BAL HOI TE JANTA LOKO PAN SWARTH NE LIDHE AAJNI PARISTHITI BHOGVI RAHYA CHHE… THANKS
    DADA NI VATO JANI NE AMAL KARVO RAHYO.SHARUAAT KARI DIDHI, FAL JAROOR MALSE….