પુત્રીની મા : સૌથી સુંદરતમ ઘટના – સ્મિતા કાપડિયા

મારા જીવનની સાર્થકતા મને સમજાઈ, જ્યારે હું ‘મા’ બની.
આજે જ્યારે મારી દીકરી વિધિ પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે હું મારા ભૂતકાળમાં ખોવાઈ જાઉં છું.

અંગત લાગણીઓને શબ્દો આપવા બહુ મથામણ કરવી પડે છે, ગત વર્ષોનાં સરવાળા-બાદબાકી ઉકેલવાં પડે છે.

મારાં લગ્ન વીસ વર્ષની ઉંમરે થયાં. મારી બી.એસ.સીની પરિક્ષા લગ્ન પછીના ચોથા દિવસે હતી, એટલે લગ્નજીવનની શરૂઆત પછી મારા કોલેજજીવનની પૂર્ણાહુતિ થઈ. મારાં સાસુજીના આગ્રહથી ડી.એમ.એલ.ટી પણ પૂર્ણ કર્યું. પછી પણ જિંદગીની બાજી વ્યવસ્થિત ગોઠવાતી ન હતી. એ પાનાં ગોઠવાતાં લગ્નનાં બીજાં ચાર વર્ષ વીતી ગયાં. એ ચાર વર્ષનો સમય મારા માટે પસાર કરવો દુર્લભ હતો. જિંદગીની કોઈ પ્રવૃત્તિ મને વ્યસ્ત કરવા માટે પરિપૂર્ણ નહોતી ત્યારે આંખમાં આંસુ સાથે હું ભગવાન પાસે ફકત માગતી ‘દીકરી’, જે મારા સુખ-દુ:ખને સમજી મારા જીવનના મણકાની માળા બની રહે. અને ભગવાને મારી આશા પરિપૂર્ણ કરી.

વિધિનો જન્મ થયો, મને જરાપણ તકલીફ આપ્યા વગર ઈશ્વરકૃપાએ એક સુંદર બાળકી, મારા ખોળામાં આપી. એનો પહેલો સ્પર્શ મને સ્પંદનની એક અનોખી દુનિયાની સફર કરાવી ગયો. અત્યાર સુધી મને હંમેશાં લાગતું કે મારામાં કાંઈક ખૂટે છે, હું હંમેશાં અધૂરી છું એમ મહેસૂસ કરતી. મેં ‘મા’ બનીને અનુભવ્યું કે હું પૂર્ણ સ્ત્રી છું.

પહેલીવાર માર હાથમાં વિધિને ઊંચકી અને તેની તરફ નજર ભરીને જોયા પછી મને લાગ્યું કે આ તો મારો જ પરકાયાપ્રવેશ થયો છે. ‘મારી પોતાની દીકરી’ એ શબ્દ મને દુનિયાની બધી ખુશી આપી ગયું. દીકરી સાથે ખુશી મારા માટે પર્યાયવાચી શબ્દ બની ગયો. એને જોતાંની સાથે જ જે અવર્ણનીય આનંદની અનુભૂતિ થઈ તે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી.

પહેલીવાર ‘મા’ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયા બાદ જ તેની મને કિંમત સમજાઈ કે ‘મા’ બનવા માટેનો જે લહાવો છે તે કેટલો અણમોલ છે. પોતાના હાડમાંસથી પોષાયેલું બાળક જે અત્યાર સુધી કલ્પનામાત્ર હતી તે હકીકત બની. સાકાર સ્વરૂપ બની.

એકવાર એક અણગમતી પળે મારા પતિ આગળ હું બોલી હતી કે જો વિધિ આ દુનિયામાં આવી ન હોત તો હું તમારી સાથે કેવી રીતે જિંદગી જીવી હોત ! ખરેખર ! બાળક વિનાનું જીવન અર્થહીન છે, નિરુદ્દેશ છે.

તે શરૂઆતથી કવીન મેરી સ્કુલમાં હતી, ત્યાંની શિસ્ત તેનામાં બરાબર ઊતરી છે. તે મારા પતિ જેવી અંતર્મુખી છે. હું મારા પતિ સાથે ઘણીવાર ચર્ચા કરું છું કે વિધિની ઘણી ખાસિયત તમારા જેવી છે. જો મારે બીજું બાળક (કદાચ પુત્ર) હોત તો તે મારા જેવો સંપૂર્ણ હોત ! પણ બીજી જ પળે વિધિના શબ્દો મારા કાનમાં સંભળાય છે, મીમી, પપ્પા, હું તો તમારા બંનેની દીકરી છું !

જિંદગીની રફતારમાં મારા અને મારા પતિની પ્રત્યેક તકલીફમાં, અમારી સાથે વિધિ મોટી થતી ગઈ. સમયના વહેણની સાથે સાથે તેનું શૈશવ પસાર થતું ગયું.

એક પ્રસંગ યાદ આવે છે. તે વર્ષે મુંબઈમાં મુશળધાર વરસાદ વરસેલો. ચોતરફ પાણીની નદીઓ વહેતી હતી ત્યારે, નાનકડી વિધિ મને વળગીને કહેવા લાગી, “મીમી, તને તરતાં આવડે છે પછી મને પાણીનો ડર નથી. કારણકે તું મારી સાથે છે પછી હું થોડી ડૂબી જવાની છું !” કેટલી સાહજિકતાથી બોલાયેલા આ શબ્દો હતા. એક બાળકનો તેની માતા પરના વિશ્વાસનો રણકાર હતો કે આ જિંદગીની દોડધામમાં માતાપિતાનો સાથ તેને સુરક્ષિત રાખવાનો છે.

વિધિ આ વખતે દસમા ધોરણની પરિક્ષા આપી, કોલેજમાં પ્રવેશશે. અમારા વ્યવસાયમાં રસ લેવાની તેની પહેલેથી રુચી રહી છે. મારા પતિ હંમેશા કહે છે કે દીકરી, તું જો મને મદદ કરીશ તો જ હું મારો વ્યવસાય ચાલુ રાખીશ, નહીંતર તારા વગર આ બોજ હું ઉપાડી નહીં શકું. ભવિષ્યમાં આ બધું તને જ સોંપીને નિવૃત થવાનું છે તે સનાતન સત્ય તેને અત્યારથી મૂંઝવણમાં મૂકી દે છે.

વિધિ ભણવામાં અત્યંત તેજસ્વી હતી, પણ તેની ગ્રહણશકિત હંમેશાં બીજાથી અલગ તરી આવે છે જે કદાચ જીવનસફરમાં તેને વધારે ઉપયોગી નીવડશે. પુસ્તકિયાં જ્ઞાન કરતાં બીજું જ્ઞાન ઈતર જીવનમાં વધારે જરૂરી છે અને તેની ઉપયોગિતા સમય જતાં જ સમજાય છે.

વિધિ તેની કારકિર્દીના ઉંબરે સલાહ તેના પપ્પાની જ લે છે, પણ પછી ધાર્યું પોતાના પપ્પા પાસે પોતાનું જ કરાવે છે.

આજે સમયની સાથે સાથે એક બીજો સુખદ સંબંધ અલગ રીતે તરી આવ્યો છે. તે સંબંધ છે મારો અને મારી મમ્મીનો.

લગ્ન પહેલાંના વર્ષોમાં મારા અને મારાં મમ્મી વચ્ચે ઘણા મતભેદો હતા, પણ આજે તેનું કહેવું છે કે દીકરી જ માને વધારે સમજી શકે છે. આજે જિંદગીના કપરા સંજોગો વચ્ચે તે નિખાલસપણે કબૂલ કરે છે કે દીકરા કરતાં દીકરી જ માની વધારે નજીક આવે છે. કદાચ મારા માતૃત્વની પરિપક્વતાએ મને મારી માની વધારે નજીક લાવી દીધી છે.

મારી મમ્મીએ આ બદલાતા સમયની સાથે મારી પાસે એક વચન લીધું છે. તેની અંતિમ ઈચ્છા છે કે હું જ તેનો અગ્નિસંસ્કાર કરું. કદાચ છેવટ સુધી માનો જીવ પોતાની દીકરીની આજુબાજુ જ ઘૂમતો રહે છે તેની અભિતૃપ્તિ તેના આ વચનમાં સાકાર થાય છે !
આજે જિંદગીના પાનાં ઊથલાવતાં હું યાદ કરું છું કે વિધિના બાળપણમાં હું મારા વ્યવસાયમાં અતિ કાર્યરત હતી. તેના શૈશવના એ સુંદર દિવસો હું તેને પાછા આપી શકું એમ નથી, પણ વિધિ તેની ઉંમરના પ્રમાણમાં ઘણી જ સમજદાર હતી. હું બહાર નીકળું ત્યારે તે હંમેશા મને બાય-બાય કહેતી અને મને વહાલી કરીને કહેતી, મીમી, તું મને બહુ ગમે છે. તેના ‘મીમી’ શબ્દોથી મારું વિશ્વ સમૃધ્ધ બની જતું.

વિધિ જ્યારે નર્સરીમાં હતી અને તેની શાળાના શરૂઆતના દિવસમાં તેનો એક પ્રશ્ન રહેતો, મીમી, પપ્પા, તમને મારા વગર ગમશે ? હું નહીં હોઉં તો તમે શું કરશો ? આજે આ જ પ્રશ્ન પ્રશ્નાર્થચિન્હ બનીને મારી સામે આવે છે. બેટા, દીકરી તો જન્મી ત્યારથી જ એક સનાતન સત્ય સમજાવે છે કે હું તો તમને જિંદગી જિવાડવા આવી છું. થોડા વખત માટે, પછી તો તમારે મારા વગર જીવવાની આદત પાડવાની છે.

આપણા સમાજમાં એક દીકરી હોવાને નાતે કોઈ પૂછે કે તમારી દીકરી પરણી જશે પછી તમે શું કરશો ? આ પ્રશ્ન મારી જિંદગીની પરિક્ષાનો સૌથી અઘરો પ્રશ્ન છે, જેનો જવાબ કદાચ આ જિંદગીમાં હું આપી શકવાની નથી !

અમુક જ્ઞાતિઓમાં લગ્નવિધિ પ્રસંગે કન્યાદાન પછી મા-બાપ દીકરીને પગે લાગે છે અને પોતાની ભૂલચૂક માટે માફી માગે છે. અને કહે છે, “બેટા, જાણતાં-અજાણતાં અમે તારું મન દુભાવ્યું હોય તો અમને માફ કરજે, કારણકે તું તો હવે નિજગૃહે જાય છે. પારકાંને પોતીકાં કરવાં અને પોતાનાંને પાછળ મૂકીને બેટા ! તું અંતરમાં અમારી કોઈ પણ ભૂલને ગાંઠે ન બાંધતી.” કેટલી સુંદર વાત આ શબ્દો કહી જાય છે.

મારા જમાઈની કલ્પના કરતાં થોડો ડર અને ક્ષોભ થાય છે. જે દીકરીને પોતાના જીવ કરતાંય વિશેષ સાચવી તેને કોઈ અજાણ્યાને સોંપી દેવાની. આ જ શું જિંદગીનું સનાતન સત્ય છે ? તેની જિંદગી પર આપણો હક જતો કરીને બીજાને સોંપી દેવાની કલ્પનામાત્ર મને ધ્રુજાવી દે છે. દીકરી, સ્ત્રીનું મુગ્ધ સ્વરૂપ છે. જે બીબામાં તેને ઢાળી દો, તેમાં ઢળી જવા તે તૈયાર છે. તેના સુકોમળ મનમાં ભવિષ્યનાં તૂરાંમીઠાં સપનાંનો ભંડાર ભર્યો છે, જે આજુબાજુ વિખેરી સૌને ખુશી આપવા તત્પર છે. દીકરી તો બે ઘરને ખુશી આપવા જેટલી નસીબદાર હોય છે.

દીકરી સાથે મારી પોતાની સંવેદનાઓ જાણે સાક્ષી પૂરે છે – આજથી વીસ વર્ષ પહેલાં હું જે ઘર છોડીને આવેલી તે આજે વિચાર કરું તો પણ પોતાનું હતું તે યાદ નથી આવતું એટલી હદે હું મારા સંસારની માયાજાળમાં ગૂંથાઈ ગઈ છું. આ તો એકવીસમી સદીની શરૂઆતમાં આપણે પ્રવેશી રહ્યાં છીએ તો પછી આપણાં બાળકો આપણાં છે કે નહીં, તેનું ફકત આશ્વાસન જ આપણા માટે પૂરતું છે !

બાળક ઈશ્વરની માનવજાત વિશેની આશાનું પ્રતીક છે એમ શ્રી રવિન્દ્રનાથ ટાગોર કહે છે. એલાન બેક નામના કવિ વિદ્વાનને નાનકડી દીકરીઓ ખૂબ જ ગમતી. તે પ્રશ્ન પૂછે છે, પુત્રી એટલે શું ? એક નાનકડી બાળા એટલે શું ? એલાન બેક પોતે જ મધુર જવાબ આપે છે – માનવીના જીવનમાં સૌથી સુંદરતમ ઘટના હોય તો પુત્રીની મા બનવાની ઘટના છે.

જગતની કોઈ પણ વ્યકિત કરતાં નાની બાળકી સૌથી વધુ મીઠડી ચીજ છે. તમે અભ્યાસ કરતા હો કે પોતાનું કામ કરતા હો ત્યારે તમારી આ બાળકી ચીસો પાડે છે કે મિત્રો સાથે મોટા અવાજો કરે છે. તમારું માથું પાકે છે. તમે ઊંચું જોઈને બાળકી સામે ડોળા ફાડો છો અને તમારી બાળકી એકદમ ઊભી રહી જાય છે. તમાર ડોળા સામે તે જોઈ રહે છે. તમે જોરથી બરાડવા માટે મોઢું ખોલો છો અને તમારે માસૂમ બાળકી બિચારે સ્તબ્ધ બનીને એવી દયામણી આંખો કરીને તમારી સામે જુએ છે કે જાણે આંખમાંથી ઈશ્વર તમને તમાર ગુસ્સા બદલ ઠપકો આપતો હોય ! અને….

તમારી બાળકી બહુ તોફાની હોય છે. તમને ઘણી વખત ગળે લાવી દે છે. અરે ! કોઈ વખત એવું પણ બને કે ઘરબહાર, તમારા સંસારમાં, તમારા વ્યવસાયમાં કે તમારી ઓફીસમાં તમારી અવહેલના થઈ હોય છે, તમારો ઉપહાસ થયો હોય છે અને કોઈ વખત તમારાં સપનાં ચૂર ચૂર થઈ ગયાં હોય છે અને તમે ઘરે પાછા ફરો છો….

તમને બધા મુરખ માને અને તમે ઘરે આવો ત્યારે તમારા પગ ઉપર તમારી પુત્રીને ચઢાવીને તેને ઝૂલા ખવડાવો અને તમારી પુત્રી તમને કાનમાં કહે છે, “મમ્મા, તું બહુ જ સારી છો. આઈ લવ યુ મમ્મા.”

(લેખિકા સ્મિતા કાપડિયા મુંબઈમાં ગૃહિણી છે અને પતિને હસ્તકળાની ચીજોના બિઝનેસમાં સક્રિય મદદ કરે છે.)

તંત્રીનોંધ (રીડગુજરાતી.કોમ) :

આમ તો ‘દીકરી વ્હાલનો દરિયો’ પુસ્તક ભાગ્યેજ કોઈ ગુજરાતીના ઘરમાં ન હોય….પણ તેમ છતાં, જો કોઈ અજાણ હોય તો તેને આ પુસ્તક વિશેની થોડી માહિતી આપી દઉં. આ પુસ્તક બે ભાગમાં છે. જેમાં પહેલા ભાગનું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે જ્યારે બીજા ભાગનું નામ ‘દીકરી એટલે દીકરી’ છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ પુસ્તકની બાર જેટલી આવૃતિઓ પ્રગટ કરાઈ છે. ભાવનાની ચરમસીમા અને આંખોમાંથી ભલભલાંને અશ્રુધારા વહેવડાવી દે એવું….આ પુસ્તક…. વાંચીએ ત્યારે જાણે એમ લાગે છે કે આપણે ભાગવતના ગોપીવિરહની કથા વાંચીએ છીએ. કેટલાંય લોકોને આ પુસ્તક લગ્ન આદિ શુભ પ્રસંગે ભેટ તરીકે આપતા મેં જોયાં છે. પુસ્તકમાં ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખકો, કવિઓ તેમજ લોકકથાકારો ના જીવનમાં તેમની અને તેમની પુત્રી વચ્ચેના ભાવનાત્મક સબંધોની હ્રદયસ્પર્શી રજુઆત કરાઈ છે. આ પુસ્તક માત્ર વાંચવા અને વસાવા જેવું નહિ, પરંતુ વારસામાં આપવા જેવું છે. આ પુસ્તક વિશે આપને કોઈ માહિતી જોઈતી હોય તો મને લખો.

Advertisements

7 responses to “પુત્રીની મા : સૌથી સુંદરતમ ઘટના – સ્મિતા કાપડિયા

 1. Hi,

  I feel you have written my life story in your words. I am thousnds miles away from my Mummy and I miss her a lot. And I pray to God, “Please give me daughter like my Mummy so I will not miss her at all.”

 2. hi vary good story about a daughter but in our society i think the rules are so bad about girls that they have to go to others place & adjust them our society should now make change about all this rubbish rules you have chossen very nice & strong topic about girls thanks for your very good story

 3. દીકરી વહાલનો દરિયો પુસ્તક વસાવીને વાંચ્યું છે.
  ઘણી વાર આંસુ સાર્યાં છે.બધાંએ વાંચવા જેવું છે.
  માતૃઃહૃદય પ્રેમનો અખૂટ દરિયો છે.સ્મિતાબહેનને
  મારાં વંદન !તંત્રીશ્રીનો આભાર !

 4. hello
  smitaben you write very well i am also a mother of 8 yrs old daughter and i have the book “dikri vahalno dariyo” when i read your article and i remember that book and i was crying during read this article
  Isn’t there any situation can be create that daughters will not have go to their “own house”
  suppose it will possible

 5. I have read “dikri vahal no dariyo”. It is very touching book. Did that book gave you inspiration to write this article? I agree with whatever you have said in your article. I also have two daughters 8 & 4 yrs of age. At any time in any circumstances if you ask my younger daughter whose diki you are, her sole answer is Mumma. Whenever I hear those words I feel like I have conquered whole world. I love my both daughters very much. They are my jiv nu tukdo.

 6. નવલિકા વાંચીને મને મારી મમ્મા યાદ આવી ગઇ. એ મારાથી ૨ વરસ થી દૂર છે. પણ હુ ન જઇ શકુ તો એ મને આવી ને મળી જાય. સાચે જ મા- દીકરી નો સંબંધ નિરાળો હોય છે.

  “દીકરી વ્હાલ નો દરિયો” મારા ઘર મા સૌનુ પ્રિય પુસ્તક છે. મે એને ૪ વાર વાંચ્યુ હશે. અને આંસુ વહાવ્યા હશે. મારા માતા- પિતા એ ઘણા ને એ પુસ્તક ભેટ મા આપ્યુ છે.

  ખરેખર આ નવલિકા, ઘર ની યાદ અપાવી ગઇ.