પુષ્પગુચ્છ

ઈશ્વરની ઓળખ

તમારું નિત્ય જીવન એ જ તમારું મંદિર અને તમારો ધર્મ છે. તમે જો ઈશ્વરને ઓળખવા ઈચ્છતા હો તો તે માટે કૂટ પ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં,

પણ તમારી ચોતરફ જુઓ,
ઈશ્વર તમને તમારાં બાળકો સાથે રમતો જણાશે.

આકાશમાં જુઓ, તમને એ વાદળામાં વિહરતો, વીજળીમાં હાથ પસારતો, અને વરસાદની સાથે ઉતરતો જણાશે. તમે એને ફૂલોમાં હસતો અને પછી વૃક્ષો પર ચડતો અને બધા પર હાથ ફેરવતો જોશો.

-ખલિલ જિબ્રાન

પંડિત કોણ ?

પોતાની જાત વિશેનું જ્ઞાન, સત્કાર્યો માટે કર્મ, સહનશીલતા, ધર્માચરણમાં ઉત્સાહ – આ ગુણોને કારણે જે કદી પણ પોતાના જીવનધ્યેયથી ચલિત થતો નથી.

ઠંડી-ગરમી, ભય, અનુરાગ, સમૃધ્ધિ કે દરિદ્રતા વગેરે જેના કાર્યમાં વિધ્નરૂપ બનતાં નથી. જે દઢતાથી કાર્યનો આરંભ કરે છે, વચ્ચે અટકતો નથી, નકામો સમય બગાડતો નથી અને પોતાની ઉપર કાબૂ ધરાવે છે;

માનથી જે ફુલાઈ જતો નથી, અપમાનથી દુ:ખી થઈ વ્યાકુળ બનતો નથી અને દરેક પરિસ્થિતિમાં ગંગાના નીરની જેમ ગંભીર રહે છે;

ખૂબ સંપત્તિ, વિદ્યા, ઐશ્વર્ય મેળવીને પણ જે વ્યવહારમાં નમ્ર રહે છે;

એ પંડિત છે.

પંડિત-બુધ્ધિવાળા મનુષ્યો નથી અપ્રાપ્ય વસ્તુની ઈચ્છા કરતા કે નથી કરતા નાશ પામેલી વસ્તુનો શોક, તેમ જ દુ:ખદ અવસ્થામાં મૂઢતા અનુભવતા નથી.

-વિદૂરનીતિ

હાથમાં સ્વર્ગ

આનંદ પ્રાર્થના છે, આનંદ પ્રેમ છે, આનંદ પ્રેમની જાળ છે, જેના વડે તમે આત્માઓને પકડી શકો છો. જે પ્રસન્નતાથી આપે છે તેને ભગવાન પ્રેમ કરે છે. જે આનંદથી આપે છે તે સહુથી વધુ આપે છે. ભગવાન અને મનુષ્યો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સર્વોત્તમ ઉપાય છે – બધું જ આનંદપૂર્વક સ્વીકારવું. હ્રદય જ્યારે પ્રેમથી પ્રજ્વલિત થઈ ઊઠે છે ત્યારે એનું સહજ પરિણામ હોય છે આનંદપૂરિત હ્રદય.

આપણે બધાં, ભગવાન જ્યાં વસે છે તે સ્વર્ગની કામના કરીએ છીએ, પણ એ તો આપણા જ હાથની વાત છે કે આપણે ઈચ્છીએ તો આ જ ક્ષણે સ્વર્ગમાં પહોંચી શકીએ – આ જ ક્ષણે ભગવાનના સંગમાં સુખી થઈ શકીએ.

આ જ ક્ષણે ભગવાનના સંગમાં સુખી થવાનો અર્થ છે: પ્રેમ કરવો – એની જેમ; મદદ કરવી – એની જેમ; સેવા કરવી – એની જેમ; ઉગારવું – એની જેમ; ચોવીસે કલાક એની સંગે રહેવું; એના દયનીય વેશોમાં એને સ્પર્શ કરવો.

-મધરટેરેસા

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.