મહાસાગરનાં મોતી

 • લોકો કહે છે : અમુક વ્યકિતમાં વિશ્વાસ રાખો. પણ હું કહું છું: પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો. એ જ સાચો રસ્તો છે. તમારામાં શ્રધ્ધા રાખો. સઘળી શકિત તમારામાં જ રહેલી છે. તેના પ્રત્યે સભાન બનો, તેને બહાર લાવો. કહો કે હું બધું કરી શકીશ. જો તમે દઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો અસ્વીકાર કરો તો તે ઝેર પણ બિનઅસરકારક બની જાય. – સ્વામી વિવેકાનંદ
 • એ જ માણસ દરિદ્ર છે, જેની તૃષ્ણાઓ ઘણી મોટી છે. મન જો સંતુષ્ટ હોય તો કોણ ધનવાન અને કોણ દરિદ્ર ?- ભર્તૃહરિ
 • તમારું નિત્ય જીવન એ જ તમારું મંદિર અને તમારો ઘર્મ છે. તમે જો ઈશ્વરને ઓળખવા ઈચ્છતા હો તો તે માટે કૂટ પ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં, પણ તમારી ચોતરફ જુઓ. ઈશ્વર તમને તમારાં બાળકો સાથે રમતો જણાશે. આકાશમાં જુઓ, તમને એ વાદળાંમાં વિહરતો, વીજળીમાં હાથ પસારતો અને વરસાદની સાથે ઊતરતો જણાશે. તમે એને ફુલોમાં હસતો અને પછી વૃક્ષો પર ચડતો અને બધા પર હાથ ફેરવતો જોશો.-ખલિલ જિબ્રાન
 • વિજ્ઞાનયુગનો આ અભિશાપ છે કે એણે દુ:ખોને ભૂલવા માટે એટલાં બધાં સ્થાનો ને સાધનો ઊભાં કરી દીધાં છે કે સમજણ દ્વારા દુ:ખોને પ્રસન્નતાપૂર્વક વેઠી લેવાની કળા એણે માણસ પાસેથી આંચકી લીધી છે.-રત્નસુંદર વિજય
 • રોજ સવારે સ્મિતથી ઊજળા ચહેરા સાથે હું ઊઠું; મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું; મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું; મારાં નાનાં નાનાં કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું; સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હ્રદયમાં પ્રેમ રાખી મળું; દરેક વખતે નમ્ર, માયાળુ અને વિવેકી રહું; અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને સારું કામ કર્યાનો આનંદ લાવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં……આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું. – ટૉમસ ડેકર
 • સઘળાં પાપોનું મૂળ એક જ છે: લોભ. એ બધાં પુણ્યોને નષ્ટ કરી દે છે. સૌથી મોટું કર્તવ્ય છે આત્મ-સંયમ. લોભ માણસને પાપ ભણી લઈ જાય છે, આત્મ-સંયમ માણસને મહાન ગૌરવ ભણી લઈ જાય છે.-મહાભારત
 • ન બોલે તેને બોલાવજો, ન આવે તેને ઘરે જજો, રિસાય તેને રીઝવજો; અને આ બધું તેના ભલાને સારું નહીં, પણ તમારા ભલાને સારું કરજો. જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.-ગાંધીજી
 • તમારું કર્તવ્ય હોવાનું છે, કે તે થવાનું નહિ. હું છું તે હું છું એમાં સમગ્ર સત્ય આવી જાય છે. શાંત રહો એ પધ્ધ્તિનો સાર છે.- રમણ મહર્ષિ
 • જેમ આપણે આંતરિક રીત વધુ કંગાળ હોઈએ, તેમ આપણે વધુ ને વધુ લોકોને, પ્રતિષ્ઠાને, મિલક્તને, પ્રણાલિકાઓને વળગી રહીને બાહ્ય રીતે વધુ સંપન્ન થવા પ્રયત્ન કરીએ છીએ.- જે. કૃષ્ણમૂર્તિ
 • આ પૃથ્વીને પહાડોનો ભાર નથી લાગતો, સમુદ્રનો ભાર નથી લાગતો, મહાકાય તોતિંગ વૃક્ષોનો ભાર નથી લાગતો, એને જે ભાર લાગે છે તે તો છે માનવીના મનનો, જે બીજાનાં દુ:ખો જોઈને દ્રવતું નથી.-નૈષધ ચરિત્ર
 • હે ઈશ્વર, તું હરપળે અમને અદ્ભુત વસ્તુઓ તારી પ્રસાદીરૂપે આપી રહ્યો છે, એનો અમે દુર્વ્યય ન કરીએ. અમારામાંની પ્રત્યેક વસ્તુ તારા કાર્યમાં સહકાર આપો.- માતાજી
 • જીવનનો આ બોધપાઠ છે કે આ દુનિયામાં હંમેશા દરેકે દરેક વસ્તુ માણસને નિરાશ કરે છે; માત્ર ભગવાન તેને કદી નિરાશ કરતો નથી.- જો તે સંપૂર્ણપણે ભગવાન તરફ વળે, તો.-શ્રી અરવિંદ
Advertisements

One response to “મહાસાગરનાં મોતી

 1. really good senstences which encourage our life…keep it up…