મન અને અંતરમન – સુનિલ ગણદેવીકર

માણસને બે મન હોય છે, એક અંતરમન અને બીજું બાહ્ય મન. બાહ્યમન એ ભૌતિક જગતનાં સુખ અને દુ:ખનો ઈન્દ્રિયો પાસેથી મળનારા સુખનો વિચાર કરતું હોય છે, જ્યારે માણસનું અંતરમન એ શાશ્વત સત્યની શોધ લેતું હોય છે. વ્યવહારમાં બનતી ઘટનાઓ માટે બાહ્યમન અને અંતરમનમાં સંઘર્ષ થતો હોય છે. ભૌતિક જગતનું ઈન્દ્રિયાતીત સુખ બાહ્યમન માન્ય કરતું હોય છે જ્યારે અંતરમન તેનો વિરોધ કરતું હોય છે. આ સંઘર્ષમાં જે મન મજબૂત હોય, એનો વિજય થતો હોય છે. અને એ પ્રમાણે માણસ વર્તન કરતો હોય છે.

અંતરમનને મજબૂત કરવા માટે શું શું કરવું ? એ માટે માણસે જ્ઞાન મેળવવું જરૂરી છે, આત્મચિંતન કરવું જરૂરી છે. આપણા હાથે ઘટિત થનારી ઘટનાઓનું પરીક્ષણ કરવું. આપણે પોતે નક્કી કરવું જોઈએ કે બનેલી ઘટનામાંથી સુખ મળ્યું કે દુ:ખ ? મળનારું સુખ શાશ્વત છે કે ક્ષણિક ? જો તે સુખ શાશ્વત છે એની ખાત્રી લાગતી હોય તો તે કાર્ય ચાલુ રાખવું, જો તે કાર્યમાંથી આનંદ ન મળતાં, તે સુખની શાશ્વતીની ખાત્રી થતી ન હોય, તો તેવાં કાર્યોનો ત્યાગ કરવો. આ બોલવું અથવા લખવું ઘણું સહેલું છે. પરંતુ તેનો સહજ પણે ત્યાગ કરવો એટલું સહેલું નથી હોતું. આપણે ભૂલ કરી હોય તો પણ ચીવટાઈથી પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. પ્રયત્નોથી તો પરમેશ્વર મળતો હોય છે તો ખરાબ કાર્યોનો ત્યાગ કરી આપણને આનંદ કેમ ન મળે ?

કેટલાંક લોકોને એવી ટેવ હોય છે કે બોલવાનું હોય ત્યાં ચૂપ રહેતા હોય છે જ્યાં ચૂપ રહેવાનું હોય ત્યાં બોલતા જ રહે છે. આનાથી બીજાઓનું પછી, પરંતુ આવી વ્યકિતનું પોતાનું પહેલા નુકશાન થતું હોય છે. જ્યારે આપણે બોલવાનું છોડી ચૂપ રહીએ છીએ, ત્યારે સામેની વ્યકિત આપણને અજ્ઞાની સમજી, નામર્દ સમજી સંભળાવતી હોય છે. આપણા મનને ત્રાસ થાય તો પણ સંભળાવતી હોય, એનાથી આપણું પોતાનું નુકશાન થતું હોય છે. આ નુકશાન માનસિક, શારીરિક અને આર્થિક પણ હોઈ શકે છે.

જ્યારે માણસે શાંતચિત્તે ધ્યાન આપી સાંભળવાનું હોય છે ત્યારે માણસ સામેની વ્યકિત બોલતી હોય છતાં તેને વચ્ચે વચ્ચે થોભાવીને એનું સંપૂર્ણ સાંભળ્યા વગર પોતાનું અજ્ઞાન, પોતાની હોંશિયારી બતાવવાની મૂર્ખાઈ કરતો હોય છે. આનાથી સામેની વ્યકિતનું અપમાન તો થતું જ હોય છે, સિવાય તે વ્યકિત જે કાંઈ આપણને મહત્વનું કહેવાની હોય તે સમજી લીધા વગર આપણું પોતાનું પણ નુકશાન થતું હોય છે. ઉત્તમ વક્તા થવા માટે પહેલા ઉત્તમ શ્રોતા થવું પડે છે. એનાથી થનારાં નુકશાન આર્થિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પણ હોઈ શકે છે. ત્યારે માણસે વખત કે પ્રસંગ જોઈને સામેની વ્યકિત જોઈ કેવું બોલવું, ક્યારે બોલવું એટલું સુજ્ઞપણું રાખે તો તે વ્યકિતની પોતાની પ્રગતિ થઈ શકે છે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.