કરમનું પોટલું – ગિરિશ ગણાત્રા

અઠવાડિયે માંડ રવિવારની એક રજા મળે, રજાને દિવસે ભાવતાં ભોજન મળે ને પેટ ભરીને, ઠાંસીઠાંસીને જમ્યા પછી ગરમીના દિવસોમાં માથે પંખો ફરતો હોય, બારીમાંથી પવનની મીઠી મીઠી લહેરખી આવતી હોય ને આંખના પોપચા પર મણ મણનાં પડ બંધાઈ ગયાં હોય ને એવે વખતે કોઈ બારણું ઠોકીને જગાડે તો…..?

વાત કંઈક આવી હતી.

કૉલેજમાં ભણતાંભણતાં ને સાથે નોકરી કરતાં ત્રણેક વિદ્યાર્થીઓએ રાજકોટમાં એક ડેલીબંધ ઘર ભાડે રાખ્યું હતું. નોકરી કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રૂમ ન મળે એવો નિયમ હતો. એટલે આવા વિદ્યાર્થીઓ ઘર ભાડે રાખીને જ ભણતા. કોઈ લોજનો માસિક પાસ કઢાવી લેતા. રવિવારે લોજમાં એક જ ટાઈમ જમવાનું મળતું એટલે મિષ્ટન્ની સાથે ફરસાણ પણ હોય. એ દિવસે જમવાનું પણ મોડું થતું. આમેય, સવાર-સાંજનું સાથે જમવાનું હોય એટલે વિદ્યાર્થીઓ મોડે મોડે જ જમવા જાય. આ ત્રણેય વિદ્યાર્થીઓ બપોરે અઢી વાગ્યે જમીને ઘરે આવ્યા ત્યારે ઊંઘવાનો ભવ્ય કાર્યક્રમ ઘડીને જ આવ્યા હતા. ડેલીને સાંકળ ચડાવીને જેવા પથારીમાં પડયા અને ઊંઘના આવરણાથી બરાબર ઘેરાયા ત્યાં ડેલીના દરવાજા ખખડયા.

પરાણે ઊઠીને એક જણાએ ડેલીનો દરવાજો ખોલ્યો તો વાસણવાળી બાઈ, માથે સૂંડલો. એમાં સ્ટેઈનલેસ સ્ટીલનાં ચળકતાં વાસણો. એક ખભે જૂનાં કપડાંનું પોટલું ભરાવેલું.

“કાંઈ જૂના કપડાં આપવાનાં છે, ભાઈ” વાસણવાળી બાઈએ કહ્યું. “જૂની સાડી-સાડલા, ચણિયા, પેન્ટ-શર્ટ, છોકરાંઓના કપડાં….”

“અરે આ તો વાંઢા-વિલાસ છે.” વિદ્યાર્થીએ ચિડાઈને કહ્યું “અહીં સાડી-ચણિયા ન મળે. બધાય વિદ્યાર્થીઓ છે. સમજી. ચાલતી પકડ. નકામી રવિવારની ઊંઘ ખરાબ કરી….”

“મને શું ખબર બાપુ કે તમે બધા ભણતા છોકરાઓ છો ? સારું, સારું. ઊંઘો તમતમારે નિરાંતે. હવે નહિ ખખડાવું…..”

વાસણવાળી બાઈએ રાંક સ્વભાવનું દર્શન કરાવ્યું.

ત્યાં આ વિદ્યાર્થીના મનમાં ચમકારો થયો. આ બાઈએ મારી ઊંઘ બગાડી, તો હવે એનો બાકીનો દિવસ બગાડું તો ખરો ! એટલે એણે હળવેકથી કહ્યું :

“ આ બાજુની ડેલીમાં જા. ત્યાં વસતારી કુટુંબ છે. ત્યાં તને ગાંસડી ભરીને કપડાં મળશે…..”

“સારું સારું ભઈલા. હવે પાણી પીવું’તું તે ત્યાં જઈને પી’શ”

“ત્યાં પાણી નહિ, ચા મળશે” કહી વિદ્યાર્થીએ ધડાક કરતી ડેલી બંધ કરી દીધી. બાજુની ડેલીવાળાં બહેન આ લતામાં પંકાયેલા હતા. બહુ જ ઝઘડાળું સ્વભાવનાં. ‘કાં લડ, નહિ તો લડવાવાળો દે’ એ કહેવતને પુરેપુરી સાર્થક કરનાર. કચકચિયો ને ચીડિયો સ્વભાવ. આજુબાજુવાળા બધાય એનાથી ત્રાસી ગયેલા. એનો સ્વભાવને કારણે મકાનમાલિકે પણ ક્યારનુંયે એને ઘર ખાલી કરવાનું કહી દીધેલું. પેલો વિદ્યાર્થી બાજુનું ઘર ચીંધી સૂઈ ગયો. સાંજે જ્યારે ઊંઘીને, ચા-પાણી પતાવી ફરવા જતા હતા ત્યાં પેલી વાસણવાળી બાઈ મળી.

“કાં, બાજુમાંથી કાંઈ મળ્યું ?”

“મળ્યું. બહુ જૂનાં કપડાં નીકળ્યા ત્યાંથી. બહેન બહુ કચકચિયાં હતાં એટલે કસીકસીને કપડાં આપી વાસણો લીધાં.”

“ત્યારે તો ચા-પાણી પણ મળ્યાં હશે ……”

“અરે ચા તો ઠીક મારા ભાઈલા, પણ સામે ચડીને ત્રણવાર પાણી માગ્યું તેય સંભળાવીને આપ્યું કે ડંકી ખેંચીખેંચીને કમર તૂટી જાય છે. બધાંય જરી ગયેલાં કપડાં નીકળ્યાં. કસીકસીને કપડાં આપ્યાં ને એને ગમતાં વાસણ પડાવી લીધાં. જતાં જતાંયે સૂંડલામાંથી પરાણે એક ડબોય ખેંચી લીધી. આખી સાંજ બગાડી નાખી એ બાઈએ….”

વિદ્યાર્થીઓ હસતાં હસતાં ફરવા જતા રહ્યાં.

વેર બરાબરનું વળ્યું હતું. હવે બન્યું એવું કે બે દિવસ પછી પેલી ઝઘડાંખોર બહેને પણ ઘર બદલી નાખ્યું. બધો સામાન-ઉચાળો ભરીને બીજે કયાંક રહેવા જતાં રહ્યાં. હવે પેલા વિદ્યાર્થીઓને શાંતિ હતી. લડવા-ઝઘડવાનો, છોકરાંઓને માર-પીટનો કે ઘાંટાઘાટના અવાજો હવે બંદ્ય થઈ ગયા. ‘ભલું થયું ભાંગી જંજાળ’ નો સૌએ રાહત-દમ લીધો.

પણ ચાર-પાંચ દિવસ પછી પેલી વાસણવાળી બાઈએ એક નવી જંજાળ ઉભી કરી દીધી ! એ ઝઘડાખોર બાઈનું નવું સરનામું એને જોઈતું હતું. આડોશ-પાડોશના લોકો એનું નામ લેવ તૈયાર નહોતા ત્યાં એનું નવું સરનામું શોધી આપવાની મદદ શાના કરે ? એટલે, વાસણવાળી બાઈ ગઈ પેલા વિદ્યાર્થીઓ પાસે !

“ભઈલા, બાપુ, એ બે’નના નવા ઘરનું સરનામું મને મેળવી આપો ને ! ભગવાન તમારું ભલું કરશે…..”

“કાં ! એના સરનામાની તને શી જરૂર પડી ? “ એક વિદ્યાર્થીએ કહ્યું.

“લડવા-ઝઘડવાના પાઠ શીખવા હશે.” બીજાએ ટકોર કરી.

“બાપલા, મશ્કરી કાં કરો ? બહુ જરૂર છે. આજુબાજુવાળા મદદ કરતા નથી તે હું કોને કહું ? તમે છોકરાંઓ છો, તેમે ગમે તે કરીનેય મેળવી શકો….ભગવાન તમારું ભલું કરશે. મારે માથેથી પાપનું પોટલું ઊતરી જશે…..”

“કેમ ? એવું તેં શું કર્યું કે પાપનું પોટલું વળી બંધાઈ ગયું ?”

“તે’દી એની પાસેથી જૂનાં કપડાં લીધા’તાં તે ગઈકાલે ઘરનાં અમે બધાં કપડાં છૂટાં પાડવા બેઠાં ત્યારે પાટલૂનના ચોર-ખીસામાંથી પાંચસો રૂપિયાની ઘડી વાળેલી નોટો નીકળી. એ એને પાછી દેવી છે….”

“રાખી લ્યે.” એક વિદ્યાર્થીએ કહ્યું “એ પૈસા તું રાખી લઈશ તો જરાયે પાપમાં નહિ પડે એની ગેરંટી હું તને આપું છું. એ બાઈના પાંચસો નહિ પણ પાંચ હજાર હોય તોય રાખી લેવા જેવા છે. એણે ઘણાંનાં લોહી પીધાં છે….”

“એના કરમનું પોટલું એ ઊંચકે, મારા કરમનું હું. ગમે એમ કરીને એનું સરનામું શોધી આપો તો ભગવાન તમને પે’લે નંબરે પાસ કરી દેશે….”

પછી તો પેલા છોકરાઓએ દોડધામ કરી, નોકરી કરતા એના પતિનું સરનામું મેળવી આ બાઈને સાઈકલ પર બેસાડી, એને ઘેર લઈ ગયા ત્યારે ત્યાં પણ પેલાં બહેન કોઈ પડોશણ જોડે કચરો ફેંકવાની બાબતમાં લડી રહ્યાં હતાં ! એણે પાંચસો રૂપિયાની ઘડી વાળેલી નોટ પાછી આપી ત્યારે એ ઝઘડાખોર બહેને સંભળાવ્યું પણ ખરું :

“સારું થયું કે પાછી આપવા આવી, નહિતર આ પૈસા તને પચત પણ નહિ…..”

“ના, બેન, મને આ અણહકના પૈસા ન ખપે. એટલે તો આ ભાઈયુંની મદદથી તમારું ઘર શોધી તમને પાછા દેવા આવી. લ્યો ત્યારે હવે જાઉં…..”

નહિ આભારનો એક શબ્દ, ન ચા-પાણીનો વિવેક.

“આટલા કૂચે માર્યા પછી તને શું મળ્યું ? તેં એને પાંચસો રૂપિયા પાછા આપ્યા તોયે તારો આભાર માનવાને બદલે તને સામે ચોંટી….”

“ભઈલા, ભગવાન પાસે મારી લાજ રહી ગઈ એટલે ઘણું. આ કપડાં કે દેખાવ આપણી લાજ નથી. આપણી નિયત જ આપણી સાચી લાજ છે. મારી લાજ ઢાંકી રહી એટલે મને સંતોષ…..તમે હવે ઉપડો. તમારે વાંચવાનું મોડું થતું હશે. હું તો કાપી નાખીશ મારો રસ્તો…..”

સ્ટ્રીટ લાઈટના ઝાંખા પ્રકાશમાં દૂર દૂર જઈ રહેલો એ બાઈનો ઓળો મોટો ને મોટો થતો ચાલ્યો.

Advertisements

4 responses to “કરમનું પોટલું – ગિરિશ ગણાત્રા

  1. great theme.. hopefully we learn somethign from here and able to follow that concept in our lives to make this world better.

  2. પ્રમાણિકતા સંપૂર્ણ મરી પરવારી નથી. તેનું જીવંત ઉદાહરણ. ખબર નહિ આટલા સારા વિચારો અને કર્મો છતાં તે આટલુ ભોગવતી હતી?

  3. vasan vada masina vicha ro mane gamaya karan ki aapade hamesa aapade mahe nata nu liva nu hoyi bija nu layani aapade papa kem vadhara vu

  4. CA. જીતેન્દ્ર જે. તન્ના

    ગિરીશ ગણાત્રાની લગભગ દરેક વાર્તા હુ ખુબજ રસપુર્વક વાચુ છુ. દરેક વાર્તામા સંસ્કારની જ વાત હોય. જન્મભૂમે પ્રવાસી તથા મુમ્બઇ સમાચારમા પણ એમની ખુબ સારી વાર્તાઓ આવે છે.