જ્ઞાનવૃક્ષ – ફાધર વાલેસ

ગુરુ ઝાડને અઢેલીને બેઠા હતા. એમાં સાધક એને પૂછવા આવ્યો : જ્ઞાનવૃક્ષ કયાં છે એ મને બતાવી શકશો ? ગુરુએ કહ્યું : ઉત્તર તરફ જાઓ, શ્વેત નગર શોધો, સપાટ શિખર સર કરો. ઘટ્ટ મહાસાગર ઓળંગો, દક્ષિણના તારાને અનુસરો અને પછી તને જ્ઞાનવૃક્ષ જડશે.
સાઘક ઉત્તર તરફ ગયો. શ્વેત નગર શોધ્યું, સપાટ શિખર સર કર્યું, ઘટ્ટ મહાસાગર ઓળંગ્યો, દક્ષિણના તારાને અનુસર્યો અને ખરેખર, જ્ઞાનવૃક્ષની આગળ આવીને તે ઊભો રહ્યો. 
હાથ લંબાવીને એ જ્ઞાનફળ લેવા જ જતો હતો એમાં એની નજર નીચે તરફ ગઈ અને ઝાડને અઢેલીને કોઈ બેઠો હતો. એને જોઈને એ પોતાનો પહેલાંનો ગુરુ હતો એમ આશ્ચર્યની સાથે જોયું. ત્યારે એને ખબર પડી કે જ્ઞાનવૃક્ષ તો જેની છાયામાં ગુરુ પહેલેથી જ બેઠા હતા એ જ હતું.
એણે ગુરુને ફરિયાદ કરી : વૃક્ષ તો આ જ હતું, પછી મને અર્ધી પૃથ્વીએ રખડાવીને કેમ ખાલી મહેનત મારી પાસે કરાવી ?

ગુરુએ જવાબ આપ્યો : કારણકે જ્યાં સુધી તું તારી મેળે જ્ઞાનવૃક્ષની શોધ નહિ કરે ત્યાં સુધી એનાં ફળ તારા માટે નિષ્ફળ જ રહેવાનાં હતાં.
બોધ :  આપમહેનત જિંદાબાદ.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.