એવી જીદ કેમ ચાલે ? – ચંદ્રહાસ ત્રિવેદી

એક નવાસવા ધનવાન માણસે શહેરના પરામાં આલીશાન બંગલો બાંધ્યો હતો. તેના ત્યાં કોઈ મહેમાન આવે તેને તે ખૂબ ઉત્સાહથી ફરી ફરીને બંગલો બતાવે. બંગલો બતાવવા માટે તો તેણે કેટલાય લોકોને જમવા બોલાવ્યા હશે. બંગલામાં સ્વિમિંગ પુલ, સુંદર બગીચો, હોજ અને મકાન પણ ખાસ્સું ત્રણ માળનું બનાવેલું. સડક ઉપરથી ગાડી આવતી હોય તો પણ બંગલો દૂરથી નજરે પડયા વિના રહે નહિ.

એક વખતે તેમના કોઈ સ્વજને તેમને કહ્યું, ‘હું કેટલાય વખતથી જોઉં છું કે હવે તમને બંગલાની બાબતમાં કંઈ ઉત્સાહ રહ્યો નથી. અને બંગલાની વાત કરતાં તમે નિરાશ થઈ જાઓ છો. બંગલા અંગે કંઈ મુશ્કેલી આવી છે કે સરકારી દફતરોમાં જમીનના ટાઈટલ વિશે કંઈ વાંધો-વચકો પડયો છે ?’

પેલા ભાઈએ કહ્યું, ‘ના રે , એમ તો હું કાચું કામ કરું નહિ. બધું જ વ્યવસ્થિત છે અને મારે બંગલા માટે કંઈ દેવું ભરવાનુંય નથી. વળી ધંધો-રોજગાર પણ ઠીક ઠીક ચાલે છે. છતાંય….’ અને તેમણે એક નિ:સાસો મૂકીને વાક્ય અધૂરું છોડી દીધું.

પેલા સ્વજને જરા પ્રેમથી તેમનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, ‘હું ક્યાં પારકો છું ? જે હોય તે મને કહો, વાત ક્યાંય બહાર નહિ જાય.’

સ્વજનની લાગણી અને ભાવથી તેઓ જરા પીગળ્યા એટલે તેમણે વાત કરી, ‘તમે નથી જોતા કે આપણા બંગલાની આગળ શું થઈ ગયું ?’

‘કેમ શું થઈ ગયું છે ? મને તો કંઈ ખબર નથી.’

‘અરે, આ પાડોશીએ પાંચ માળનો તોતિંગ બંગલો બાજુમાં ઊભો કરી દીધો છે.’

‘હા, તે તો મેં જોયો છે પણ એનું શું ?’

પેલા ભાઈએ ખેદભરી નજરે સ્વજન સામે જોતાં કહ્યું, ‘અરે, તેની તો બધી મોકાણ છે. હવે આપણા બંગલાનો કંઈ વટ જ ન રહ્યો. સડક ઉપરથી તે પડોશીનો બંગલો જ પહેલાં નજરે પડે છે. અરે, આપણાં સગાં-સંબંધી આપણો બંગલોય જોતાં જોતાં મને પૂછે છે – પેલો કોનો બંગલો છે ? જબરો બાંધ્યો છે.’

બસ, આટલા જ કારણે આ ભાઈ દુ:ખી થઈ ગયા હતા. બાકી તેમનો બંગલો પહેલાંની જેમ જ સુખ-સગવડ વાળો રહ્યો હતો. ધંધોય સારો ચાલતો હતો. ઘરમાં કંઈ વાતની કમી હતી નહિ પણ બાજુના પડોશીએ તેમના બંગલા કરતાં ઊંચો બંગલો બાંધ્યો તેને લીધે તેમની શાન્તિ હણાઈ ગઈ અને જીવનમાંથી જાણે તેમનો રસ જતો રહ્યો. હવે ઊઠતાં-બેસતાં તેમની નજર પડોશીના બંગલા ઉપર પડે છે અને તેમના મુખમાંથી નિ:સાસો નીકળી જાય છે.

બોલો, હવે આ માણસને સુખી કરવાનો તમારી પાસે કોઈ રસ્તો છે ? પડોશીનો બંગલો મોટો થઈ જતાં તેમના અહંકારને ચોટ વાગી અને તે દુ:ખી થઈ ગયા.

મૂળ વાત અહંકારની છે, ઈર્ષાની છે. સંસારમાં કેટલાય લોકો આપણાથી આગળ રહેવાના તો કેટલાય લોકો આપણાથી પાછળ રહેવાના.

આપણે એવી જીદ કરીએ કે કોઈ આપણાથી આગળ ન હોય તો કેમ ચાલે ? એવી જીદ રાખીને દુ:ખી થઈએ તો તેમાં કોઈ શું કરી શકે ? જગતનાં અનેક લોકો વસે છે, બધાની શકિત અને ભાગ્યમાં તરતમતા હોય છે. અને તે તો રહેવાની જ. આપણી પાસે જે છે તે આપણું અને તેનાથી સંતોષ રાખીને જીવીએ તો કોઈ આપણને દુ:ખી ન કરી શકે. જ્યાં અન્યની શકિત કે સમૃધ્ધિ તરફ નજર રાખીને આપણી સમૃધ્ધિ કે શકિતને મૂલવવા ગયા ત્યાં દુ:ખની શરૂઆત થઈ જવાની. સંસારના આ સત્યનો સમજીને સ્વીકાર કરી લઈએ તો વાત આપણા હાથની છે.

Advertisements

4 responses to “એવી જીદ કેમ ચાલે ? – ચંદ્રહાસ ત્રિવેદી

  1. A fact which men never understand. But it is also hope of life. A manas ne kadach 6 ke 7 Mal no uncho banglo bananvavani Asha jage.

    Kem Sachu ke nai?

  2. SUKH ATLE APANI PASE JE FULO HOY AMATHI GAJARO BANAVAVANI KALA.
    DRASHTI BIJA PAR RAKHINE COMPERISON KARATA RAHISU TO SIKH KYAREY NAHI J MALE.ONE MUST UNDERSTAND THIS.SUKH KYAREY ABSENT HOTU J NATHI JO APANI PASE TE JOVANI DRASHTI HOY TO.
    GOOD ARTICLE.CONGRATS

  3. સંતોશ જ પરમ સુખ છે.

  4. this article says alot about the ‘key to inner peace and happiness’-jealousy and upmanship makes one unhappy and destroys human being of its birthright qualities of being happy in the mind to be healthy – contentment is the key to happiness