ચિંતાનો પીંડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

રજાનો દિવસ હતો. હું મારી રૂમમાં સહેજ આડો પડેલો. પંખો ધીમે ધીમે ચાલતો હતો. એટલામાં બારણું ખખડયું.

‘કોણ ?’ મેં પૂછયું.
‘એ તો હું ખુડી.’
‘ખુલ્લું જ છે. આવ ને !’
સ્મિતાળવી ખુડી હળવેથી બારણું ખોલી, ત્યાં જ થોભી. ખુડી એ મારી કામવાળી. ખૂબ નિયમિત, પ્રમાણિક, કામઢી. દેખાવે શ્યામ પણ ચોખ્ખી. કામ સિવાય ઊંચે નજરેય ન કરે એટલી શરમાળ. હું સહેજ ચોંક્યો. એ ધીમે અવાજે નીચું જોઈને બોલી :

‘શેઠ, તમે કાલે ભાવનગર જવાના?’
‘હા’. ‘તને કોણે કહ્યું.’
‘એ તો તમે જ શેઠ પે…લા ધોબીને ન્હોતા કહેતા…’
‘તે તારે ભાવનગરનું શું કામ પડયું ?’ મેં પૂછયું.
‘શેઠ, એ તો છે ને મારા બાપા હારુ એક શાલ મોકલાવવી છે….’ એ સંકોચાતાં સંકોચાતાં બોલી.
‘શું નામ તારા બાપાનું ? ભાવનગરમાં ક્યાં રહે છે?’
‘એ તો શેઠ ખોડિયારને રસ્તે કોઈ ઝૂંપડાવાળાને કહેશો ને કે ભૈ ‘ભગો મારવાડી’ એટલે આખો મલક ઓળખશે.’
મેં કહ્યું : ‘સારું.’
પછી મારા હાથમાં ભરતભરેલી શાલ હેતપૂર્વક આપતાં કહેવા લાગી : ‘આ પેલા માસ્તર કાશ્મીરથી લાયેલા તે જૈ દિવારી બુનસમાં આલેલી. મારો બાપ બચારો ટાઢમાં ઓઢશે.’ કહેતાં કહેતાં, વેદનાશીલ વદને એ ગઈ. વળી થોડીવારે, પાછી આવી મને કહેવા લાગી.
‘અને શેઠ, મું તમારે ઘરે કોંમ કરું છું એ વાત ઈમને ના કરતા હોં !’ કરુણાપૂર્વક બોલી.

અભ્યાસકાળ પછી ખાસ મળાયું જ નહોતું એટલે ભાવનગરમાં મિત્રને ત્યાં જ ઉતર્યો. ચા-પાણી કર્યાં. વાતમાંથી વાત નીકળતાં જ મેં પૂછયું, ‘ઘણા વખતે મળ્યા નહીં ?’ એણે આંખોથી આખો અતીત ઉકેલ્યો. પછી મેં પૂછયું. ‘અહીં ખોડિયાર કેટલે ?’
‘કેમ દરશન કરવા જવું છે ?’
‘ના ભૈ ! એક સંપેતરું છે.’
‘કોનું ?’ મિત્રે જિજ્ઞાસાથી પૂછયું.
મેં કહ્યું : ‘તમે ભગો મારવાડી કરીને કોઈ છે એને ઓળખો ?’ મિત્ર હસવા લાગ્યો. મેં કહ્યું: ‘કેમ હસવું આવ્યું ?’ ‘ભૈ ભગા મારવાડીને કોણ ન ઓળખે ? એ ભલો ને એનું કામ ભલું. સિત્તેર વરહ થયાં હશે પણ ભાયડો કૈં મહેનત કરે છે કૈં મહેનત…. એ તો આપણો માળી છે !’

એટલામાં જ ભગો મારવાડી દેખાયો. હાડકાંનો માળો. કેડેથી વળેલો. વધી ગયેલી દાઢી. હું જોઈ રહ્યો.
મિત્ર બોલ્યો : ‘અલ્યા, તારી દીકરીએ શાલ મોકલી !’
એ રૂમમાં આવ્યો. પલાંઠી વાળીને બેઠો. બે હાથ જોડયા, કેવી દયનીય મુદ્રા !! આંખોમાં ઝળઝળિયાં !! શાલ હાથમાં લેતાં એના હાથ ધ્રુજતા હતા. પાંપણો નમી ગઈ હતી. વળી પાછો પૂછવા લાગ્યો.
‘સાહેબ, મારી ખુડી કહોરખમ તો સે ને ? બધાંય કહોર ?’ ‘હા, હા, મઝામાં.’ હું કહેતો રહ્યો. એણે ખુડી વિશે, એના દારૂડિયા પતિ વિશે મારી પાસેથી જાણવાની ઘણી કોશિશ કરી. મેં સાચવી સાચવીને જ ઉત્તરો આપ્યા. મિત્ર સાંભળી રહ્યો.

બીજે દિવસે સવારે હું નીકળવાનો હતો. એ ટાઈમસર આવી ગયો. મને એક પોટકી આપતાં નમ્રતાથી કહેવા લાગ્યો-
‘સાયેબ, આ ખોડિયારમાનો પરસાદ મારી ખુડીને પોંચાડજો. માતાજી તમારુંય ભલું…….’
મેં પોટકી લીધી. એણે મારી એટેચી લીધી. બસ સ્ટેન્ડ સુધી વળાવવા આવ્યો. બસ ઊપડી એટલે હળવેથી કહે-‘સાયેબ, મારી ખુડીને હું મજૂરી કરું છું એ વાત ના કહેતા. નકામી ચિંતા….’ ને એનો ઊંચો થયેલો હાથ હું જોતો રહ્યો.

બાપ દિકરીનો કેવો અદ્દભૂત પ્રેમ !

Advertisements

7 responses to “ચિંતાનો પીંડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

 1. Excellent. Great site design and layout. And of course excellent contents.

 2. mrugeshbhai aa badhi chotdar vato riday na tar ne janjanavi muke tevi chhe…
  tnx tame aa site banavi gujarat nu gaurav vadharyu chhe ne sathe gujarati sahitya ni ananya seva pan kari chhe
  again tnx

 3. હૃદય સ્પર્શી વર્તા છે. સંબન્ધોની ખૂબ નાજૂક લાગણીને વણી લઇને સર્જન કર્યું છે. લેખકની આગવી ઓળખ છતી થાય છે.

 4. Really a fine story in my north gujarat regional speech.I am glad to read this story, My heartly congratulation to Shri Bhagirathbhai.

 5. 'મંગલમ' વ્રજલાલ બ્રહ્મભટ્ટ્

  વાર્તા સર્જક તરીકે ડૉ. ભગીરથ સફળ રહ્યા છે. ગ્રામ્ય પત્રોને વાર્તામાં ગૂંથવાની એમણે આગવી કળા સિદ્ધ કરી છે. આ એક હૃદયસ્પર્શી વાર્તા માટે અભિનંદન!

 6. હૃદયસ્પર્શી વાર્તા માટે અભિનંદન