દર્પણ
દર્પણની આરપાર કેવો વિંધાયો છું !
ખુદને ખબર નથી કેવો રુંધાયો છું !
આકાશ જેવું આકાશ તેથી જ ચૂપ છે,
ઘનઘોર મેઘ થઈને કેવો ભિંજાયો છું !
ઝાંઝવાંની મોહક અદાનું દ્રશ્ય અદ્દભુત,
અફાટ રણની વચ્ચે કેવો મુંઝાયો છું !
કેવી અજબ લીલા છે રંગોના આવરણની,
આકારની લીલામાં કેવો લિલાયો છું !
ઊર્મિના આ તરંગો ઉપગ્રહ બનીને ધૂમે,
કક્ષાની બહાર જઈને કેવો ફુલાયો છું !
ભૂરા નગરનો ટ્હૌકો કળ્યા કરે સતત,
ઊભી દીવાલ વચ્ચે કેવો ભિંસાયો છું !
પીળા સફેદ ચહેરા ઓઢી ઉદાસી બેઠા,
ખાલીપણાના વનમાં કેવો ભુલાયો છું !
………..
બંધ બારણે
બંધ બારણે ટકોરા માર્યા,
દિવસ સૂરજના કેવા આવ્યા !
આવળ-બાવળ-શૂળ-બોરડી,
વનમાં કાંટા કેવા વાવ્યા !
ડાળે ડાળે ફૂલ ખીલ્યાં’તાં,
રંગ ગજબના કેવા લાવ્યા !
મધ્યરાત્રિએ વહાણું વાયું,
સપન મજાનાં કેવાં ભાવ્યાં !
ઊઘડ્યા અક્ષર અવળા-સવળા,
અર્થ કક્કાના કેવા ફાવ્યા !
વિસ્મયની ભઈ, સંતાકૂકડી,
આભે દરિયા કેવા ગાળ્યા ?
બંધ બારણાં ખૂલી ગયાં, લ્યો,
આંખે દશ્યો કેવાં ભાળ્યાં !
3 responses so far ↓
Hasmukh Bulsara // November 5, 2006 at 8:24 pm
ઊર્મિના આ તરંગો ઉપગ્રહ બનીને ધૂમે,
કક્ષાની બહાર જઈને કેવો ફુલાયો છું
Wonderful.
મૃગજળનું સરનામું – સતીશ ડણાક | pustak // November 25, 2006 at 1:40 pm
[...] રીડગુજરાતી પર તેમાંની ગઝલો : http://rdgujarati.wordpress.com/2006/11/05/mruggal-sarnamu/ [...]
DIPTESH PATEL // November 29, 2006 at 12:30 pm
બંધ બારણે
Its too Good…
Like gas stations in rural Texas after 10 pm, comments are closed.