પસંદગીની મૂંઝવણ – જ્યોતિન્દ્ર દવે

એક વાર જાણીતા ગૃહસ્થને ત્યાં એમના કહેવાથી ને એમના જ કામ સારુ મારે જવાનું થયું. હું એમને ત્યાં ગયો ત્યારે માથે હાથ દઈને કંઈક ગંભીર વિચારમાં પડી ગયા હોય એમ એ બેઠા હતા. જે કામ માટે એમણે મને બોલાવ્યો હતો તે વિષે એમણે મારી સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ વાતમાં એમનું ચિત્ત હોય એમ મને લાગ્યું નહિ. એક મિનિટ પહેલાં પોતે શું કહ્યું હતું તે એ ભૂલી જતા અને બીજી જ વાત કરવા લાગતા.

આ જોઈને મેં કહ્યું : ‘આજે કંઈ તમે બહુ ચિંતામાં હો એમ લાગે છે. આ વાત બીજે પ્રસંગે કરીશું.’
‘તમારી વાત સાચી છે. ચિંતા તો નહિ પણ હું વિચારમાં પડી ગયો છું ખરો.’ એમણે કહ્યું.
‘વાંધો ન હોય તો કહો તો ખરા કે એવી શી વાત એકાએક આવી પડી છે કે તમે મને ખાસ જે કામ માટે બોલાવ્યો છે તેનો વિચાર પણ બરાબર થઈ શકતો નથી.’ મેં કહ્યું.
‘તમને કહેવામાં કશો વાંધો નથી. એવી કોઈ મોટી વાત નથી. મારે પરમ દિવસે દિલ્હી જવાનું છે.’ એમણે કહ્યું ને ફરી પાછા એ વિચારમાં પડી ગયા.
‘તો કંઈ નહિ. તમે દિલ્હીથી પાછા ફરો ત્યારે આપણે વાત કરીશું; પણ પરમ દિવસે દિલ્હી જેવાનું છે તેની ફિકર તમે આજે આટલી બધી શા માટે કરો છો, તે હું સમજી શકતો નથી.’ મેં કહ્યું.
‘ફિકર કરતો નથી, પણ જવું શી રીતે તે નક્કી કરી શક્તો નથી.’ એમણે કહ્યું.
‘એટલે ? તમને ટિકિટ મળી શકતી નથી ? હમણાં, કહે છે કે એટલી બધી ભીડ નથી. જોકે બે દિવસમાં જગા રિઝવર્ડ કરાવવાની મુશ્કેલી તો છે જ, પણ તો તમે જરા તપાસ કરશો તો થઈ શકશે.’ મેં કહ્યું.
‘નહિ, મુશ્કેલી ટિકિટ નથી મળતી તેની નથી.’ એમણે જવાબ દીધો.
‘ત્યારે શું ઘરમાં કોઈ માંદુ છે કે તેને મૂકીને જતાં તમને વિચાર થાય છે ?’ મેં પૂછ્યું.
‘એવું પણ નથી, પણ હું વિચાર કરું છું કે કઈ રીતે જાઉં ? બી.બી. ઍન્ડ સી.આઈ.ને માર્ગે જવાય છે, જી.આઈ.પીને રસ્તે જવાય છે ને વિમાનમાં પણ જઈ શકાય છે.’ એમણે જવાબ દીધો.
‘એ તો બહુ સારું.’ મેં કહ્યું.
‘ના, સારું જરાય નહિ. એ જ પંચાત છે. હું ક્યારનો, બે દિવસથી વિચાર કર્યા કરું છું કે બી.બીને રસ્તે જાઉં, જી.આઈ.પીને માર્ગે જાઉં કે વિમાનમાં જાઉં ? ત્રણે માટે ગોઠવણ પણ કરી દીધી છે અને એ ત્રણે માટેની ટિકિટ પણ આવી ગઈ છે. હવે કોની ટિકિટ કાઢવી ને કોની રાખવી એ મોટો સવાલ છે. અને એ જ નક્કી થઈ શકતું નથી.’ એમણે પોતાની મૂંઝવણ જણાવી.
‘પણ એમાં આટલા મુંઝાઓ છો શા માટે ? જેમાં ખરચ ઓછો થાય તે પસંદ કરો. બાકીની ટિકિટ પાછી મોકલો.’ મેં સલાહ જણાવી.

‘ખરચનો સવાલ નથી. એ તો મને જેણે બોલાવ્યો છે તેના તરફથી મારા પ્રવાસ અંગેનો બધો ખરચ મળી રહેશે.’ એમણે કહ્યું. ‘ત્યારે વખત સૌથી ઓછો જાય એટલા માટે વિમાન માર્ગે જાઓ. વખત બહુ બગડે નહિ, એટલું જ નહિ પણ સગવડ વધારે મળશે.’ મેં કહ્યું.
‘તમારી વાત સાચી છે, પણ મારે બીજો વિચાર કરવાનો છે. મારી સાથે સામાન ઘણો છે અને વિમાનમાં જાઉં તો એ બધો સામાન લઈ જઈ શકાય નહિ.’ એમણે કહ્યું.
‘એ પણ ખરી વાત. ત્યારે ટ્રેનમાં જ જાઓ.’ મેં કહ્યું.
‘એ જ વિચાર કરું છું, પણ એમાં અગવડ બહુ છે. વખત ઘણો જાય તે ઉપરાંત લાંબી મુસાફરી કરવી તે અત્યારે મારી તબિયતને જોતાં મને ઠીક પણ નથી લાગતું અને જગા રિઝવર્ડ છે છતાં સૂવાની જગા મળશે એમ કહી શકાય નહિ. આમ છતાંયે ટ્રેનને રસ્તે જવાનું જ પસંદ કરું તો બી.બી કે જી.આઈ.પીમાંથી કયે રસ્તે જવું તે મૂંઝવણ તો ઊભી જ છે.’ એમણે કહ્યું.
‘એક કામ કરો. સામાન લઈ જવાય એમ નથી એટલે વિમાનની વાત તો જાણે જતી રહી. હવે સવાલ બી.બી. અને જી.આઈ.પી વચ્ચે રહ્યો છે. તમે બંનેનાં નામ લખી ચિઠ્ઠી તૈયાર કરો અને હું એમાંથી એક ચિઠ્ઠી ઉપાડું. ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તે રસ્તે જાઓ.’ મેં માર્ગ દર્શાવતાં કહ્યું.
‘એ પણ ઠીક છે, પણ વિમાનની વાત છેક કાઢી નાખવી યોગ્ય છે કે નહિ તે હું હજી નક્કી કરી શક્યો નથી. બધો સામાન લઈ નહિ જવાય એ સાચું, પણ ખરું પૂછો તો હું એમાંથી ઘણો સામાન ઓછો કરી શકું એમ છું. ને તે ઉપરાંત કદાચ વધારાનો સામાન હોય તો અગાઉથી ટ્રેનમાં મોકલી શકાય, એટલે વિમાનની વાત વિચારણામાંથી તદ્દન કાઢી નાખવી મને ઠીક લાગતી નથી.’ એમણે કહ્યું.
‘તો ભલે વિમાન રહ્યું, ત્રણ ચિઠ્ઠીઓ બનાવો.’ મેં કહ્યું.
‘હા, પણ મને થાય છે કે આપણા જેવા માણસ આવી બાબતનો નિર્ણય પણ ચિઠ્ઠીથી કરે એ કેવું કહેવાય ?’ એમણે શંકા કાઢતાં કહ્યું.
‘બહુ સારું તો ન કહેવાય, પણ બીજો રસ્તો ન હોય ત્યારે શું થાય ?’ મેં જવાબ દીધો.
‘નહિ, નહિ. ચિઠ્ઠી નાખીને નક્કી કરવું તે કરતાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને જ નિર્ણય પર આવવું મને યોગ્ય લાગે છે.’ એમણે કહ્યું.
‘ચાલો ત્યારે, હવે હું જઈશ. તમે દિલ્હીથી પાછા ફરો ત્યારે ફરી મળીશું.’

‘ના, ના, ઊભા રહો. મને લાગે છે કે આ પાછળ નકામો વખત બગાડવા કરતાં ચિઠ્ઠી નાખીને નક્કી કરીએ તોય શું ખોટું ? જે નામ નીકળે તે સહી. પછી એમાં ઝાઝો વિચાર કરવાનો જ નહિ.’ એમણે મને જતો રોકીને કહ્યું.
‘ત્યારે કરો ચિઠ્ઠી તૈયાર’ મેં કહ્યું.
‘હા પણ મને એક વિચાર આવે છે.’ એમણે જરા અચકાઈને કહ્યું.’
‘શો ?’ મેં પૂછ્યું.
‘પહેલાં ચિઠ્ઠી નાખીને આ નક્કી કરવું કે નહિ તે નક્કી કરીએ.’ એમણે કહ્યું.
‘પણ તે તો તમે નક્કી કરી જ દીધું છે ને ? હવે ફરી વિચાર કરવાનું શું કારણ ?’ મેં વિસ્મય પામીને પૂછ્યું.
‘ક્યે માર્ગે જવું એ ચિઠ્ઠી નાખીને નક્કી કરીએ તો ઠીક એમ મને લાગે છે. એ સાચું, પણ એ વિષે હજી મારા મનનું બરાબર સમાધાન થયું નથી અને એના વિષે લાંબો વિચાર કરવાનો અત્યારે મને વખત પણ નથી. માટે એ ચિઠ્ઠી નાખીને નક્કી કરવું કે નહિ તે નક્કી કરવા માટે પણ આપણે ચિઠ્ઠી નાખીએ તો કેવું ?’ એમણે કહ્યું.
‘એવા દ્રાવિડી પ્રાણાયામ કરતાં ચિઠ્ઠી નાખીને મૂળ વાત જ નક્કી કરી લઈએ તો વધારે સારું એમ મને લાગે છે. છતાં એ રીતે તમારા મનનું સમાધાન થતું હોય તો પહેલાં ચિઠ્ઠી નાખીએ ને પછી તેમાં આવે તે પ્રમાણે કરીએ, પણ કદાચ ચિઠ્ઠીમાં ના નીકળે તો ફરી તમારે મગજને તસ્દી આપી કયે રસ્તે જવું તેનો નિર્ણય કરવાનો રહેશે.’ મેં કહ્યું.
‘તો તેમ કરીશ.’ તેમણે જવાબ દીધો.

ઉપલી વાતમાં થોડીઘણી અતિશયોક્તિ મેં કરી છે, એ હૂં કબૂલ કરું છું પણ મુદ્દે વાત સાચી છે. કોઈ પણ વસ્તુનો નિર્ણય કરતાં બુદ્ધિને કેટલી મહેનત પડે છે એ કોઈ પણ બુદ્ધિવાલા માણસને કહી બતાવવાની જરૂર નથી. આપણા શાસ્ત્રકારોએ મન અને બુદ્ધિનો તફાવત જણાવતાં કહ્યું છે કે ‘આ કરું, તે કરું ?’ ‘ફલાણું સારું કે ઢીંકણું સારું ?’ એવા સંશયો ઉઠાવ્યા કરે ને વિકલ્પોમાં રાચે તે મન. એ બધી વસ્તુઓ તપાસી જઈને અમુક ચોક્કસ નિર્ણય કરનારી શક્તિ તે બુદ્ધિ. આ દષ્ટિએ જોતાં કહી શકાય કે મનનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ, બુદ્ધિનો ઉપયોગ બહુ ઓછા માણસો કરે છે અને જેને એનો ઉપયોગ કરવાની જરૂર પડે છે તે સૌ અકળાઈ જાય છે.

કલ્પના અને વિચાર કરવાની શક્તિ જો માણસને ઈશ્વરે ન બક્ષી હોત તો આ એક નિશ્ચય કરવાની બાબતમાં તો એનું કામ બહુ સહેલું થઈ જાત. સહજ પ્રેરણાથી અથવા રુચિતંત્રને વશ થઈને એ અમુક કામ કર્યે જાત, પણ કલ્પના દોડાવવાની ને વિચાર કરવાની ટેવ ને પરિણામે એ કોઈ પણ કામ કરવું હોય કે કાંઈ પસંદગી કરવાની હોય ત્યારે બધી બાજુનો વિચાર કરવા બેસે છે. કાર્ય ને કારણનો સાધ્ય ને સાધનનો, મહેનત ને ફળનો, સગવડ ને વખતનો, દેશકાળ ને સંજોગનો ઈત્યાદિ ઈત્યાદિ અનેક બાબતનો વિચાર કરી કરીને એ મગજને એટલું થકવી નાખે છે કે પછી નિશ્ચય કરવાની શક્તિ જ એનામાં રહેતી નથી.

પત્ની ને લઈને સાડીની પસંદગી કરવા એક તરતના પરણેલા ભાઈ જયારે પહેલવહેલા નીકળ્યા ત્યારે એમનો ઉત્સાહ માતો નહોતો. એમણે જેટલા પૈસા ખરચવા પડે તેટલા ખર્ચીને પણ પત્નીને મનપસંદ સાડી અપાવી તેનું દિલ જીતી લેવા નિશ્ચય કર્યો હતો, પણ બજારમાં ગયા પછી એમની સ્થિતિ વિચિત્ર થઈ પડી. તે વખતમાં કપડાંનું રૅશનિંગ નહોતું અને જાતજાતની રંગબેરંગી સાડીઓ એટલી બધી હતી કે એમાંથી કઈ પસંદ કરવી ને કઈ ન કરવી એ મોટો સવાલ એમનાં પત્ની સમક્ષ આવીને ઊભો. સાડી વેચનારાઓની દુકાનો પણ સંખ્યાબંધ હતી અને પચાસ-સાઠ દુકાને ફર્યા વગર બધી સાડીઓ જોઈ શકાય શી રીતે ? એ પહેલાં તો એક દુકાનથી બીજી અને બીજીથી ત્રીજી એમ આંટા મારતાં એમના ‘ટાંટિયાની કઢી’ થઈ ગઈ. બધી દુકાને ફરી રહ્યાં પછી એમનાં પત્નીને લાગ્યું કે પહેલાં જે દુકાનમાં ગયાં હતાં તે દુકાનમાં જ સારામાં સારી સાડી મળતી હતી, એટલે પાછા એ દુકાને ગયા, પણ ત્યાં ગયા પછી એમનાં પત્નીને થયું : ‘ઉ હું ! અહીં નહિ, પણે સારી મળે છે.’ ત્યાંથી એ ‘પણે’ ગયાં, પણ ‘પણે’ થી ફરી ત્રીજી દુકાનમાં પેઠાં. અને બીજી વાર ચોવીસ દુકાને ફર્યા પછી એમણે કંઈક કંટાળીને નિસાસો નાખ્યો. ‘થાકી ગયા?’ મૃદુ અવાજે પત્નીએ પૂછ્યું.
‘ના, ના એટલામાં થાક શેનો લાગે ?’ આટલી વારમાં ‘થાકી ગયો એમ કહું તો મારી મર્દાનગીને લાંછન લાગે.’ એમ લાગવાથી એમણે કહ્યું.
‘ત્યારે હજી બે ચાર દુકાનો બીજી જોઈ લઈએ.’ પત્નીએ કહ્યું.
‘પણ બધી જ દુકાને આપણે એક વાર તો જઈ આવ્યા છીએ.’ એમણે કહ્યું.
‘હા, પણ ક્યાં શું હતું તે હું ભૂલી ગઈ છું. ફરી જવામાં વાંધો પણ શો છે ?’ પત્નીએ કહ્યું અને ફરી વાર બે ચાર ને બદલે બીજી બાર દુકાને એ ચડ્યાં અને અંતે આટલું બધું ફર્યાં છતાં પણ ‘આવતે રવિવારે ફરી જઈશું, હમણાં તો કંઈ સાડી નજરમાં આવતી નથી.’ એવો એમનાં પત્નીનો છેવટનો અભિપ્રાય સાંભળી અત્યંત ખિન્ન મને ને થાકેલાં શરીરે એ ઘેર પાછાં ફર્યાં.

પસંદગીનું ક્ષેત્ર જેટલું વિશાળ, તેટલી માણસને મૂંઝવણ વધે છે. ફલોરાફાઉન્ટનથી ગોવાળિયા ટેંક જવા માટે મને ‘બી’ , ‘સી’ , ‘પી’ અને ‘ઓ’ એમ ચાર ‘રૂટ’ ની બસ મળી શકે છે. પહેલાં તો મને થતું હતું કે અત્યારે બસ મળવાની આટલી મારામારી છે તેમાં ચારમાંથી કોઈ પણ બસમાં મારાથી જઈ શકાય એમ છે એટલે હું નસીબદાર છું. પણ અનુભવે મને જણાવ્યું કે એથી મારી મુશ્કેલી વધી છે. કઈ બસમાં જવું એ નક્કી કરવું મને બહુ કઠણ પડે છે. ‘પી’ પહેલી મળશે એમ ધારી હું ‘પી’ માટે થોભું છું. પછી લાગે છે કે ‘ઓ’ કદાચ વહેલી આવશે તો હું ‘ઓ’ – ના સ્ટેશન આગળ જઈને ઊભો રહું છું. થોડી વાર વાટ જોયા પછી મને લાગે છે કે ‘બી’ ઠીક પડશે ને હું ‘બી’ ને માટેના સ્ટેશન આગળ જઈને વાટ જોઉં છું. વાટ જોઈને કંટાળી ગયા પછી ‘સી’ નો વિચાર આવે છે. ને ‘સી’ ના સ્ટેશન આગળ જામેલી મેદની જોઈ આખરે પાછો ‘પી’ ના સ્ટેશન આગળ આવું છું ને એટલી વારમાં ‘પી’ ની બસ આવીને ચાલી પણ ગઈ હોય છે.

સામાન્ય બાબતોમાં પણ નિશ્ચય કરતાં આટલી મુશ્કેલી પડે છે, તો લગ્ન જેવા વિષયમાં કેટકેટલી મૂંઝવણ થાય એ કહેવાની જરૂર નથી. લગ્નના વિષયમાં પસંદગીનું ક્ષેત્ર ઘણું વિશાળ હોય તો ‘મારા છોકરા માટે કઈ વહુ લાવું ?’ અથવા ‘હું કોને પરણું?’ એ નક્કી કરતાં માણસની આખી જિંદગી નીકળી જાય, એટલા ખાતર આપણા પૂર્વજોએ પસંદગીનું ક્ષેત્ર બને તેટલું સંકુચિત રાખ્યું હતું. જ્ઞાતિ બહાર પરણાય નહિ, જ્ઞાતિમાં પણ ત્રણચાર પેઢીના સગાસંબંધીમાં કન્યાવ્યવહાર થઈ શકે નહિ, સગોત્રમાં કન્યાની આપ-લે ન થઈ શકે અને આટલું સાચવ્યા પછી જે કન્યા મળે એમ હોય તેની પસંદગીમાં પણ અમુક ધોરણ સાચવવું જોઈએ. આને લીધે કન્યા પસંદ કરતાં વરના મા-બાપને કે વરને બહુ મહેનત પડતી નહિ. સગોત્ર લગ્ન પણ કાયદેસર ગણી શકાય તે માટેનો ખરડો વડી ધારાસભા સમક્ષ આવ્યો ત્યારે તેના સમર્થનમાં માનનીય રાજગોપાલાચારી કહ્યું હતું કે લગ્નની બાબતમાં બને તેટલી સરળતા ને સગવડ હોવાં જોઈએ. એ તો સાચું, પણ સગોત્ર વચ્ચે પણ વિવાહ થઈ શકે એવી છૂટ રાખવાથી સરળતા સધાશે ખરી ? મને તો લાગે છે કે કન્યાની કે વરની પસંદગી માટેનું ક્ષેત્ર વધારે પડતું વિશાળ કરવાથી સરળતાને બદલે વિષમતા, સગવડને બદલે અગવડ, ને નિરાંતને બદલે મૂંઝવણ વધારે પ્રમાણમાં થવા સંભવ છે. આટઆટલી કન્યાઓ ને આટઆટલા મૂરતિયાઓ વચ્ચે કોને પસંદ કરવા એની મૂંઝવણ દહાડે દહાડે એટલી વધી જશે કે આખરે ચિઠ્ઠી નાખીને જ વરકન્યાની પસંદગી કરવાનો વખત આવશે. જોકે એમ થાય તો તેમાં કંઈ નુકશાન જેવું નથી. અત્યારની સ્થિતિ કરતાં એ સ્થિતિ કોઈ રીતે ખરાબ નહિ જ હોય !

7 responses to “પસંદગીની મૂંઝવણ – જ્યોતિન્દ્ર દવે

  1. So..boaring……..! Write some thing nice…

  2. I do agree, its difficult to choose one of many available options….! Experienced it many time, especially in the matter of marriage!

  3. આનું નામ વાતનું વતેસર !
    નવરા બેઠાં……….
    નવરો હજામ ………હશે ચાલો મૃગેશભાઈ !
    લખાણ ગમ્યું : હસવું ના આવ્યું…આભાર .

  4. પિંગબેક: હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર - વિનોદભટ્ટ « રીડગુજરાતી : પુસ્તક પરિચય

  5. Lekh saro chhe … pan ema Jyotindra Dave ni Jhalak suddha nathi …. Maro matlab em k ema ramuj nathi…baki ekandare thik chhe… Jyotindra Dave na ramuji lakho pragat karo to vadhare saru..
    AAbhar

  6. પિંગબેક: હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર - વિનોદભટ્ટ | pustak